તમિલનાડુમાં કોરોનાના દર્દીની સારવાર માટે 8 મહિનાની સગર્ભા નર્સે 250 કિમીનું અંતર કાપ્યું

હાલમાં મહામારીનું સ્વરૂપ લઇ ચુકેલા કોરોનાવાયરસને કારણે દેશમાં ગંભીર સંકટ જેવી સ્થિતિ છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન ડૉક્ટરો, નર્સો, પોલીસકર્મીઓ અને સફાઈકર્મીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોની મદદ કરી રહ્યા છે. આ તમામની ભૂમિકાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. તેઓ દિવસ-રાત જોયા વિના લોકોની મદદ કરવામાં લાગ્યા છે. આવું જ એક ઉદાહરણ તમિલનાડુથી સામે આવ્યું છે, જ્યાં 8 મહિનાની સગર્ભા નર્સે દર્દીઓની સારવારમાં મદદ કરવા માટે 250 કિમી સુધીની મુસાફરી કરી છે.

તમિનાડુના તિરુચિ ખાતે એક નર્સ કોરોના વાયરસના દર્દીઓની મદદ કરવા માટે 250 કિલોમીટરનું અંતર કાપીને હોસ્પિટલ પહોંચી. ખાસ વાત એ છે કે, આ નર્સ 8 મહિનાની ગર્ભવતી છે. તેમ છતાં દર્દીઓની મદદ માટે આટલી લાંબી મુસાફરી કરીને હોસ્પિટલ પહોંચી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ નર્સનું નામ વિનોથિની છે. તેની ઉંમર 25 વર્ષ છે. તેણે કોરોના વાયરસની આ સંકટની ઘડીમાં તે દર્દીઓની મદદ માટે આગળ આવી છે.

COVID-19ના દર્દીઓની મદદ કરવા માટે તમિલનાડુના તિરુચિરાથી રામનાથપુરમની 250 કિલોમીટરની મુસાફરી કરી હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ, વિનોથિની એક ખાનગી હોસ્પિટલમાં કાર્યરત હતી. 1 એપ્રિલે રામનાથપુરમના સ્વાસ્થ્ય સેવાના સંયુક્ત નિદેશકનો ફોન આવ્યો. ત્યારબાદ વિનોથિનીએ પ્રાથમિક આરોગ્ય કેંદ્રમાં દર્દીઓની સારવાર કરવાનો નિર્ણય કર્યો. જે બાદ તે 250 કિલોમીટરની મુસાફરી કરીને હોસ્પિટલ પહોંચી હતી.

ડીવાયએફઆઈના જિલ્લા સચિવ પી લેનિન, પર્યટન મંત્રી વેલ્લીનંડી એન નટરાજન અને કલેક્ટર એસ શિવરાસુ તરફથી નર્સને એક પાસ મળ્યો હતો જેની મદદથી તે લોકડાઉન છતાં પણ મુસાફરી કરી શકી. આઠ મહિનાની ગર્ભવતી નર્સ પતિ સાથે કાર દ્વારા તિરુચરાથી રામનાથપુરમ પહોંચી હતી.