આઇઓસીએ ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશનની માટેની સમયમર્યાદા લંબાવીને 29 જૂન 2021 કરી

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી (આઇઓસી)એ શુક્રવારે કહ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરાયા પછી હવે તેમના દ્વારા ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશન માટેની નવી સમય મર્યાદા 29 જૂન 2021 નિર્ધારિત કરવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિક્સ 2020નું આયોજન 24 જુલાઇથી 9 ઓગસ્ટ દરમિયાન થવાનું હતુ, જો કે કોરોના વાયરસને કારણે તેને એક વર્ષ સુધી સ્થગિત કરી દઇને હવે તેનું આયોજન 23 જુલાઇથી 8 ઓગસ્ટ 2021 દરમિયાન કરવાનું નક્કી કરાયું છે.

આઇઓસી દ્વારા તમામ નેશનલ ઓલિમ્પિક્સ કમિટીઓને મોકલવામાં આવેલા પત્રમાં ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશન માટે નવી તારીખ નક્કી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે અને કહ્યું છે કે આ તારીખ 29 જૂન 2021 હશે. સાથે જ તેમના દ્વારા જણાવાયું હતું કે ઇન્ટરનેશનલ ફેડરેશનો પણ પોતાની ક્વોલિફિકેશનની સમયમર્યાદા નક્કી કરી શકે છે, પણ તે સમય મર્યાદા 29 જૂન પહેલાની હોવી જોઇએ.

આઇઓસીએ જણાવ્યું હતું કે ક્વોલિફિકેશનની પ્રક્રિયા એપ્રિલની મધ્યમાં નક્કી કરી લેવાશે. આઇઓસીએ કહ્યું હતું કે એવી રમતો કે જેમાં વય મર્યાદા હોય છે. જેમણે 2020 ઓલિમ્પિક્સ માટે કવોલિફાઇ કર્યું છે તેવા ખેલાડીઓ બાબતેના માપદંડ બદલવા માટે અમે તૈયાર છીએ.