દિલ્હી મરકઝ બનાવ સંદર્ભે વધુ 19 લોકો ઓળખાયા, કુલ 103ની કરાઈ કોરોન્ટાઇન પ્રક્રિયા

ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાઇરસ સંદર્ભે લોકડાઉનનો ચુસ્તપણે અમલ રાજ્યમાં  થઈ રહ્યો છે. આ દસ દિવસમાં જેવો  સહકાર નાગરિકોએ આપ્યો છે એવો જ સહકાર આગામી દસ દિવસમાં મળતો રહે એવી આગ્રહપૂર્વક અપીલ પણ તેમણે કરી છે.

લોકડાઉન સંદર્ભે આજે મીડિયાને વિગતો આપતા DGP ઝાએ ઉમેર્યું કે રાજ્યમાં પ્રજાકીય પ્રશ્નો અંગે તંત્રને રજૂઆતો મળી છે તેનું તાત્કાલિક નિવારણ કરવા તંત્ર પ્રયાસો કરી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોટ દળવાની ઘંટીઓ બંધ જણાય છે તેવા વિસ્તારોમાં સત્વરે ઘંટીઓ ચાલુ કરે અને પોલીસ પણ તેમની પાસે ઘંટી શરૂ કરાવે તેવા નિર્દેશો આપી દેવાયા છે.

તેમણે કહ્યું કે શહેરી વિસ્તારોમાં હાલ કોરોના સંક્રમણના કેસોનું પ્રમાણ વધુ જણાયું છે જેમાં અમદાવાદ મોખરે રહ્યું છે. ચાર મહાનગરો પણ હોટસ્પોટ ન બને એ માટે શહેરીજનો સવિશેષ તકેદારી રાખે તે જરૂરી છે.  આ વિસ્તારોમાં રાત્રિના સમયે પણ પોલીસ બંદોબસ્ત વધારી ને કડક પગલાં લેવાશે. શહેરી વિસ્તારોમાં લોકો ધાબા પર કે અંતરયાળ મેદાનમાં ક્રિકેટ રમતા હોય તેવા બનાવો ધ્યાને આવ્યા છે. આ અંગે ડ્રોન ફૂટેજના આધારે ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે જેમાં આજ સુધી 768 ગુના નોંધીને 2144 લોકોની ધરપકડ પણ કરાઈ છે એ જ રીતે સીસીટીવી ફૂટેજના આધારે આજ સુધીમાં 80  ગુના નોંધી 179 લોકોની પણ  ધરપકડ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે કોરોના વાયરસ અને લોકડાઉન સંદર્ભે પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે તે અનુસાર કોઈ પણ માહિતી કે પોસ્ટ ખરાઈ કર્યા વગર સોશિયલ મિડિયા પર ન મુકવાની તાકિદ કરવા છતાં પણ આવી ઘટનાઓ ધ્યાને આવી છે. આવી બાબતો ગંભીર છે એને ચલાવી લેવાશે નહીં, આવી પ્રવૃત્તિઓ અંગે આજ સુધી 49 ગુના નોધીને 90 લોકોની અટકાયત પણ કરાઇ છે એજ રીતે માલવાહક વાહનોમાં નાગરિકોની હેરાફેરી ન કરવા સૂચના આપી હોવા છતાં તેના ભંગ સંદર્ભે પંચમહાલમાં ત્રણ અને બનાસકાંઠામાં એક ગુનો નોંધીને વાહનો જપ્ત કર્યા છે.

તેમણે કહ્યું કે શહેરી વિસ્તારોમાં કે અન્ય જગ્યાએ નાગરિકો એ.ટી.એમ, બેંકોમાં કે અન્ય વસ્તુની ખરીદી માટે જાય ત્યારે જયાં લાઈનમાં ઊભા રહેવાનું હોય ત્યાં જરૂરી ડીસ્ટન્સ જાળવે અને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન ખરીદી કરી હોમ ડિલીવરી દ્વારા વસ્તુઓ મંગાવી હિતાવહ છે. લોકડાઉનના ચુસ્ત પાલન માટે પોલીસને ચોક્કસ દિશા નિર્દેશો આપ્યા છે ત્યારે નાગરિકોએ પોલીસ સાથે સંઘર્ષમાં ન ઉતરવું, જો આવું બનશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરાશે

DGP ઝાએ કહ્યું કે રાજ્ય સરકારે નિઝામુદ્દીના બનાવને અત્યંત ગંભીરતાથી લીધો છે અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તેનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે આજ દિન સુધીમાં નિઝામુદ્દીન મરકઝમાં ભાગ લીધો હોય તેવા ગુજરાતમાંથી 103 લોકોની ઓળખ પણ કરી દેવાઈ છે જેમાં અમદાવાદના 57, ભાવનગરના 20, મહેસાણાના 12, સુરતના 8, નવસારીના 2 અને બોટાદના 4 લોકોનો સમાવેશ થાય છે આ તમામ લોકોના ટેસ્ટિંગ અને કોરોન્ટાઇન સહિતની કામગીરી ચાલુ છે તથા અન્ય લોકોના ઓળખાણની પ્રક્રિયા પણ ચાલુ છે

રાજ્યોમાં નોંધાયેલા ગુનાઓની વિગતો આપતાં DGP ઝાએ કહ્યું કે જાહેરનામાના ભંગ ના 950, કોરેન્ટાઈન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના 364 ગુના અને અન્ય 93 ગુનાઓ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2218 આરોપીની અટકાયત કરાઇ છે અને 4786 વાહનો જપ્ત પણ કરાયા છે તેમ તેમણે ઉમેર્યું છે.