દેશના ટોચના અલગઅલગ 40 રમતવીરો સાથે પીએમ મોદીની વીડિયો કોન્ફરન્સ દ્વારા કોવિડ-19 અંગે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના અલગઅલગ રમતો સાથે જોડાયેલા ટોચના 40 ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરીને દેશમાં કોરોનાવાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી, યુવરાજ સિંહ જેવા સ્ટાર ક્રિકેટરો ઉપરાંત શટલર પીવી સિંધુ, બોક્સર મેરીકોમ, સ્પ્રિન્ટર હિમા દાસ અને રેસલર વિનેશ ફોગાટ સહિત ટોચના 40 ખેલાડીઓ સામેલ હતા.

પીએમ સાથેની ચર્ચામાં સચિન, સૌરવ, વિરાટ, યુવરાજ ઉપરાંત સિંધુ, મેરીકોમ, હિમા દાસ, વિનેશ ફોગાટ પણ સામેલ

પીએમ મોદી સાથેની આ બેઠકમાં અન્ય ક્રિકેટર્સમાં વિરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા જેવા ખેલાડી પણ સામેલ હતા, જ્યારે આ ઉપરાંત જેવેલિન થ્રોઅર નીરજ ચોપરા, દિગ્ગજ ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ, બોક્સર અમિત પંઘાલ, યુવા શૂટર મનુ ભાકર, વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ, ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ, શૂટર અભિષેક વર્માનો પણ સમાવેશ થાય છે. પીએમ મોદી સાથેની આ બેઠકમાં કેટલાક ખેલાડીઓ દ્વારા પોતાના સૂચનો પણ રજૂ કર્યા હતા. તેના પર પુરતું ધ્યાન આપવાની વડાપ્રધાને ખાતરી ઉચ્ચારી હતી.

કોરોનાવાયરસ વિરુદ્ધના જન જાગ્રુતિ અભિયાન ચલાવવા માટે પીએમ મોદીએ ખેલાડીઓ પાસે સહકાર માગ્યો

દેશમાં જ્યારે કોવિડ-19ના પોઝિટીવ કેસનો આંકડો 2000 પાર જતો રહ્યો છે ત્યારે વ્યક્તિગત સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂરિયાત પર લોકોનો જાગ્રુત કરવા માટે વડાપ્રધાને આ રમતવીરો પાસે સમર્થન માગ્યું હતું. આ કોન્ફરન્સ કોલમાં ભાગ લેનારા શટલર બી સાઇ પ્રણીતે શેર કરેલી એક વીડિયો ક્લિપમાં વડાપ્રધાન એવું કહેતા સંભળાય છે કે તમારા સૂચનો ધ્યાને લેવાશે. કોરોના સામેની આ વૈશ્વિક લડાઇમાં આપણે ટીમ ઇન્ડિયા તરીકે ભારતને વિજેતા બનાવવાનું છે. મને વિશ્વાસ છે કે આપણા તમામના સામુહિક પ્રયાસોથી દેશમાં એક નવી ઉર્જાનો સંચાર થઇ રહ્યો છે. આ વીડિયો કોન્ફરન્સમાં રમત મંત્રી કિરણ રિજિજૂએ પણ ભાગ લીધો હતો. મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલે બેંગલુરૂમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ની શિબિરમાં કોરોનાવાયરસ સંબંધે રખાતી સાવચેતી અંગે વાત કરી હતી.