પીએમ મોદીએ કેમ 5 એપ્રિલ પર પસંદગી ઉતારી, ક્યાંક આ કારણો તો નથી ને !

શુક્રવારે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી એપ્રિલે લોકોને ઘરની લાઇટ બંધ કરીને મીણબત્તી કે ટોર્ચ કે દીવા પ્રગટાવવાનું કહ્યું છે ત્યારે ઘણાને મનમાં સવાલ જાગ્યો હતો કે પાંચમી એપ્રિલે શું છે, આમ પણ પીએમ મોદી જે તારીખ નક્કી કરે છે તે કોઇને કોઇ રીતે મહત્વની હોય છે. ત્યારે આ દિવસ પર જ પસંદગી કેમ ઉતારી તે જાણવું હોય તો સમજી લો કે 5 એપ્રિલ ઈતિહાસનો મહત્વનો દિવસ છે. આ દિવસે ઘણી ઐતિહાસિક ઘટનાઓ બની હતી.

5 એપ્રિલે મહાત્મા ગાંધીજી પહોંચ્યા હતા દાંડી

ગાંધીજીની દાંડી યાત્રા ભારતીય સ્વતંત્રતા આંદોલનની એક મહત્વની ઘટના છે. મીઠાના કાયદાનો ભંગ કરવા માટે ગાંધીજીએ દાંડી યાત્રા યોજી હતી. ગાંધીજી દાંડી પહોંચ્યા તે ઐતિહાસિક દિવસ 5 એપ્રિલ હતો. દાંડી યાત્રાની શરૂઆત 12 માર્ચ, 1930ના રોજ થઈ હતી અને 6 એપ્રિલ 1930ના રોજ પૂર્ણાહૂતિ થઈ હતી. દાંડી માર્ચ અથવા નમક સત્યાગ્રહ ગાંધીજીના નેતૃત્વમાં થયેલું અહિંસક આંદોલન હતું. જેને ખૂબ જન સમર્થન મળ્યું હતું. દાંડી યાત્રાનું બીજું પણ મહત્વ છે. આ આંદોલન રાજકારણમાં અહિંસક આંદોલનના પ્રયોગ રૂપે હતું.

5 એપ્રિલ બાબુ જગજીવન રામનો જન્મ દિવસ

બાબુ જગજીવન રામનો 5 એપ્રિલ 1908ના રોજ થયો હતો. તેમના નામે 50 વર્ષ સુધી સાંસદ રહેવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. 1936થી 1986 સુધી તેઓ સાંસદ રહ્યા હતા. આ વર્ષોમાં તેઓ સમાનતા અને વંચિતોના હક માટે લડતા રહ્યા. તેઓ દેશના પહેલા દલિત ઉપવડાપ્રધાન હતા. બાબુ જગજીવન રામ સામાજિક ન્યાય માટે લડ્યા હતા. 1935માં ઓલ ઈન્ડિયન ડિપ્રેસ્ડ ક્લાસેઝ લીગની સ્થાપનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સંગઠન દલિત સમાજને સમાન અધિકાર આપવા અને તેમના કલ્યાણ માટે કામ કરે છે.

5 એપ્રિલ ભારતમાં નેશનલ મેરીટાઇમ ડે ભારતીય નૌકાદળ માટે મહત્વનો દિવસ

5 એપ્રિલે ભારતમાં નેશનલ મેરિટાઈમ ડે મનાવવામાં આવે છે. આ દિવસે 1919માં આધુનિક ભારતીય મર્ચન્ટ શિપિંગની શરૂઆત થઈ હતી. સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીનું 5,940 ટનનું પહેલું જહાજ લિબર્ટી પોતાની યાત્રા માટે રવાના થયું હતું. આ જહાજ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયું હતું. ભારતીય નેવીના ઈતિહાસમાં આ મહત્વની ઘટના હતી કારણકે એ વખતે સમુદ્ર માર્ગ પર અંગ્રેજોનો કબજો હતો. આ તારીખે 1979માં દેશનું પ્રથમ નૌકાદળ સંગ્રહાલય મુંબઈમાં શરૂ થયું હતું. એ વખતે મુંબઈ બમ્બઈના નામે ઓળખાતું હતું.