લોકડાઉનની વચ્ચે ગજેરા ટ્રસ્ટની અનોખી પહેલ: વીડિયો થકી ભણતર, બાળકોને ઘર બેઠાં ભણાવવાનો નવતર આઈડીયા

1993 થી શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સમાજસેવાના ક્ષેત્રમાં સતત કાર્યરત છે. હાલના સમયમાં COVID-19 CORONA વાયરસના સંક્રમણના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં શાળાઓ બંધ છે. પરીક્ષાઓ મોકૂફ રહી છે ત્યારે ગજેરા ટ્રસ્ટ દ્વારા બાળકોના શિક્ષણ માટે અનેરી પહેલ કરેલ છે. ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓના શિક્ષકો પોતાના ઘરે રહી શૈક્ષણિક સાધનોના ઉપયોગ સાથે ખુબ સચોટ શૈક્ષણિક કાર્યના વીડિયો તૈયાર કરે છે.

આ વિડીયો ફેસબુક પર તથા ટ્રસ્ટની વેબસાઈટ પર પ્રસારિત કરે છે. ધોરણ 1 થી 12 અને બાલભવનના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલા આ સ્ટડી મટીરીયલનો ઉપયોગ બાળકો ઘરે બેઠા કરી રહ્યા છે. એટલું જ નહી પણ બાળકોને પ્રેક્ટીસ થાય તે માટેની વર્કશીટ તૈયાર કરી શાળાની વેબસાઈટ WWW.gajeratrust.org પર તથા શાળાની GEMS એપ્લીકેશન દ્વારા બાળકને પહોચાડવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દ્વારા બાળકો પોતાની ગતિએ અને પોતાની પધ્ધતિથી સ્વઅધ્યયન કરી રહ્યા છે. લર્ન-અનલર્ન અને રીલર્નના કોન્સેપ્ટને ફળીભૂત કરતી આ પધ્ધતિ બાળકોને ખુબ ઉપયોગી સાબિત થઈ છે.

આ માટે શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા એ આટલું સુંદર કાર્ય કરવા બદલ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. અને બાળકોને હજુ વધારે ઉપયોગી થવા પ્રેરિત કર્યા હતા.સાંપ્રત સમયમાં તમામ શાળાઓ આ રીતે બાળકોને ઉપયોગી થઈ છે.