પહેલી વાર ગરમી આફત નહી પણ આશિર્વાદરૂપ બનશે, ભારતમાંથી જલ્દી ખતમ થઈ શકે છે કોરોનાનું સંકટ

મેસોચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે એમઆઈટી દ્વારા તાજેતરના સંશોધનથી કોરોના પર હવામાનની અસર અંગે જણાવામાં આવ્યું છે કે જો હવામાન ગરમ અને ભેજથી ભરેલું હોય તો તે કોરોના વાયરસના ફેલાવાની સંભાવનાને મોટા પ્રમાણમાં ઘટાડી દેશે. પહેલી વખતે એવું બની રહ્યું છે કે લોકો ગરમીથી ત્રાહિમામ થવાના બદલે કોરોનાને ભગાડવા ગરમી વધુ પડવાની પ્રાર્થના કરી રહ્યા હોય. ગરમી પડે તો કફ અને શરદી ખાંસીની ફરીયાદોમાં ઘટાડો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.

જે દેશોમાં તાપમાનનો પારો 3 થી 17 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતું અને ભેજનું પ્રમાણ 4 થી 9 ગ્રામ પ્રતિ ઘનમીટર હતું ત્યાં કોરોના વાયરસના 90 ટકા કેસો મળી આવ્યા છે. જ્યારે એવા દેશોમાં કે જ્યાં પારો 18 ડિગ્રીથી ઉપર હતો અને ભેજનું પ્રમાણ ઘનમીટર 9 ગ્રામ કરતા વધારે હતું, તેવા કિસ્સાઓમાં ફક્ત 6 ટકા કેસો સામે આવ્યા હતા. આ અહેવાલ ભારત માટે ખૂબ જ ધરપત આપનારો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ભારતમાં તાપમાનનો પારો વધવા જઇ રહ્યો છે. અમેરિકાના ઉત્તરીય રાજ્યોમાં  ઠંડી વધુ છે. જ્યારે દક્ષિણના ગરમ રાજ્યોની તુલનામાં કોરોનાના બમણા કેસ નોંધાયા છે.

આ સંશોધન મુજબ ભારત, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને આફ્રિકન દેશોમાં કોરોનાના કેસો તેમના ગરમ હવામાનને કારણે નીચે આવ્યા છે. તેમ છતાં આ દેશો ગીચ વસ્તીવાળા છે અને આરોગ્ય સુવિધાઓ ચીન, યુરોપ અને અમેરિકા કરતા ઘણી નબળી છે. કોરોનાથી જેટલી ખાનાખરાબી અમેરિકા યુરોપ સહિતના દેશોમાં સર્જાઈ છે તેની સરખામણીએ ભારત માટે રાહતની વાત એ છે કે 130 કરોડ વસ્તીવાળો દેશ હોવા છતાં કોરોનાનાં કેસો ઓછા નોંધાયા છે અને મોતનો આંકડો પણ કન્ટ્રોલમાં લેવામાં આવ્યો છે. આ બધું લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સીના જડબેસલાક અમલીકરણનાં કારણે શક્ય બન્યું છે. તેમાં ગરમી પોતાનું કામ કરી ભારતને મોટી રાહત આપી શકે છે.

જણાવી દઈએ કે હાલમાં ભારતમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓના આંકડા 2600 ને વટાવી ગયો છે જ્યારે 71 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાને દૂર કરવા માટે દેશમાં 21 દિવસનો લોકડાઉન અમલમાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોરોના વાયરસ સામે ભારતના પ્રયત્નોની પ્રશંસા કરી છે. એક મીડિયા ચેનલને આપેલી મુલાકાતમાં ડો. ડેવિડ નવારોએ ભારતમાં ચાલી રહેલા લોકડાઉનને એક સારું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું, જ્યારે યુરોપ અને અમેરિકા જેવા વિકસિત દેશોએ કોરોનાને ગંભીરતાથી લીધો ન હતો, ત્યારે ભારતે કોરોના સામે ઝડપથી પગલા ભર્યા છે.