90 વર્ષિય દાદી જયારે બોલ્યા, હું તો મારું જીવન જીવી ચુકી, વેન્ટીલેટર યુવા દર્દીને આપો

હાલમાં કોરોનાવાયરસે જ્યારે વિશ્વ આખાને પોતાના ભરડાંમાં લીધું છે અને નવા નવા દર્દીઓનો આંકડો વધતો જાય છે, સાથે જ મરણાંક પણ સતત ઉપર જઇ રહ્યો છે અનેં તેના દર્દીઓને બચાવવા માટેના તમામ પ્રયાસો આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવે છે, ત્યારે બેલ્જિયમમાં એક કોરોનાવાયરસ પીડિત 90 વર્ષિય દાદીએ એવું કહીને વેન્ટીલેટર લેવાનું ટાળ્યું હતું કે હું તો મારું જીવન જીવી ચુકી છું તમે આ વેન્ટીલેટર યુવાઓ માટે રહેવા દો. હાલમાં જ 90 વર્ષના આ દાદીનું પણ કોરોનાથી મોત થયું છે.

અહેવાલો અનુસાર આ મહિલાએ ડૉક્ટરોને કહ્યું હતું, “હું સારું જીવન જીવી છું, વેન્ટિલેટર યુવાન દર્દીઓ માટે રાખો.” 90 વર્ષના સુઝાન હોયલર્ટ્સને શ્વાસ લેવામાં ફરિયાદની તકલીફ બાદ બેલ્જિયમની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમણે વેન્ટિલેટરનો ઉપયોગ કરવાની ના પાડતાં બે દિવસમાં જ જીવ છોડ્યો હતો. મહત્વનું છે કે, દુનિયાભરમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. એવામાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહે છે. જેના કારણે હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે અને વેન્ટિલેટર સહિતના મેડિકલના સાધનો ખૂટી પડ્યા છે. એવામાં યુવાનોની જિંદગી બચાવવા માટે આ વૃદ્ધાએ જે કર્યું તેને લોકો સલામ કરી રહ્યા છે.

લૂબેક પાસે બિનકોમમાં રહેતા સુઝાન હોયલર્ટ્સને શ્વસનમાં તકલીફ અને ભૂખ ના લાગવાની ફરિયાદ બાદ 20 માર્ચે પહેલીવાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તપાસ બાદ તેઓ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેમને આઈસોલેશનમાં રખાયા હતા. પરંતુ તેમની તબિયત સુધરવાને બદલે કથળવા લાગી. ડૉક્ટરોએ વેન્ટિલેટર મૂકવાનું કહ્યું ત્યારે દાદીએ જણાવ્યું, “હું આર્ટિફિશિયલ રેસ્પિરેશનનો ઉપયોગ કરવા નથી માગતી. આને યુવાન દર્દીઓ માટે રાખો. હું ખૂબ સારું જીવન જીવી છું.”

હોસ્પિટલમાં દાખલ કરાયાના બે દિવસ બાદ જ તેમનું મોત થઈ ગયું તેમની દીકરી જૂડિથે એક ડચ અખબારને જણાવ્યું, “હું તેમને અંતિમ વિદાય ના આપી શકી. અંતિમ સંસ્કારમાં ભાગ લેવાની તક પણ મને ના મળી. મને ખબર નથી પડતી કે મારી મમ્મી આ વાયરસથી કેવી રીતે સંક્રમિત થઈ કારણકે તેઓ સેલ્ફ-આઈસોલેશનમાં હતા.”

મહત્વનું છે કે, ખબર લખાઈ ત્યાં સુધીમાં બેલ્જિયમમાં કોરોના વાયરસના કારણે 705 લોકોના મોત થયા છે. અહીં કોરોના વાયરસના 12,775 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 1,021 લોકોની ખૂબ કાળજી રાખવામાં આવી રહી છે. વેન્ટિલેટરનો ઉપયોગ ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ માટે કરવામાં આવી રહ્યો છે. યુરોપમાં કોરોના વાયરસના લીધે 12 વર્ષની બાળકી પણ જીવ ગુમાવી ચૂકી છે.