મરકઝમાં ગયેલા કુલ 84ને કોરોન્ટાઈન કરાયા, એમ્બ્યુલન્સમાં માણસોની હેરાફેરી, જૂનાગઢમાં ગુનો દાખલ

નોવેલ કોરોના વાયરસ અંતર્ગત લૉકડાઉન સંદર્ભે મીડિયાને વિગતો આપતાં ગુજરાતનાં પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે શહેરોના અમુક વિસ્તારોમાં લૉકડાઉનનો ચુસ્ત રીતે અમલ થતો નથી એવી બાબતો ધ્યાને આવી છે ત્યારે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવવાનો નિર્ણય કર્યો છે, એટલે સોસાયટી અને મહોલ્લામાં પણ નાગરિકોએ એકત્ર થવું નહીં. ડ્રોનના ફૂટેજની ચકાસણી કરીને તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે

ડીજીપી ઝાએ ઉમેર્યું કે લૉકડાઉન અંતર્ગત માલવાહક વાહનોને છૂટ આપવામાં આવી છે પરંતુ આવા વાહનોમાં માણસોની હેરફેર થતી હોય એવા કિસ્સા ધ્યાને આવ્યા છે એટલે પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. આવા સંજોગોમાં વાહન જપ્ત કરીને માલિકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરાશે. જુનાગઢ ખાતે ખાનગી એમ્બ્યુલન્સમાં માણસોની હેરાફેરી સંદર્ભે એમ્બ્યુલન્સના સંચાલક સહિત 10 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે લૉકડાઉન અને કોરોના વાયરસ અંગે રાજયના વહીવટીતંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો સમૂહ માધ્યમો દ્વારા સચોટ અને સાચી માહિતી આપવામાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ નાગરિકો ગેરમાર્ગે દોરાઈ તથા અફવાઓ ફેલાય તેવી પોસ્ટ ન મૂકવા પણ અપીલ છે. આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા સોશિયલ મીડિયા ટ્રાફિક પર સતત નજર રાખવામાં આવી રહી છે તે અંતર્ગત પણ રાજ્યમાં ૨૫ ગુના નોંધીને ૫૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ડીજીપી ઝાએ તહેવારોના સમયમાં પણ નાગરિકોએ તહેવારની ઉજવણી ઘરે રહીને કરવા અપીલ કરતા કહ્યું કે ધાર્મિક સંસ્થાઓમાં પણ બેથી ત્રણ લોકો સિવાય વધુ લોકોને એકત્ર  ન થવું જેથી કરીને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય એ જ રીતે ધર્મગુરુઓને પણ નાગરિકોને ધર્મ સંસ્થામાં એકત્ર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

પોલીસ વડા ઝાએ કહ્યું હતું કે લૉકડાઉનની સ્થિતિ વધુ સુદ્રઢ બને તેવા હેતુથી કમ્યુનિટી વોલિન્ટીયર્સ તરીકે સિવિલ ડિફેન્સના જવાનો, કોલેજના NSS/NCCના વિદ્યાર્થીઓને આ કામગીરીમાં જોડવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિવૃત પીએસઆઇ અને તેથી નીચેની કેડરના શારીરિક સક્ષમ પોલીસ કર્મચારીઓને પણ ટૂંકા ગાળા માટે તેમની સેવામાં લેવામાં આવશે જેની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે મરકઝ, નિઝામુદ્દીનમાંથી ગુજરાતમાં આવેલા લોકો અંગે કેન્દ્ર સરકાર દ્વારા આપેલી વિગતો મુજબ વિવિધ સ્થળૉએ ચેકિંગ કરીને આજે સુરતમાંથી આઠ તેમજ અમદાવાદમાંથી ચાર એમ અત્યાર સુધીમાં કુલ-84ને ઓળખી લઈને કવૉરન્ટાઈનમાં લઈ લેવામાં આવ્યા છે જ્યારે હજુ પણ બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.

ડીજીપી ઝાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ બદલ 753, કવૉરન્ટાઈનના ભંગ બદલ 361 જ્યારે અન્ય 42 ગુનાઓ નોંધવામાં આવ્યા છે જેમાં 1990 આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે 5707 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.