ઓખાના દરિયામાં હજારો માછીમારો સ્વયંભૂ રીતે બોટ કોરેન્ટાઈન હેઠળ, આવી રીતે પહોંચાડાય છે ખાવાનું અને પીવાનું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક તંત્રના જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા એસ.પી. રોહન આનંદ દ્વારા આગમચેતી રૃપે બહાર દેશમાંથી આવતા વહાણોને દરિયાથી 10 કિ.મી. દૂર રાખીને બોટ ક્વોરેન્ટાઈન કરાયું છે, ત્યારે ઓખાના માછીમાર ભાઈઓએ સ્વયં ક્વોરેન્ટાઈન કર્યું છે જેનો અદ્ભુત પ્રયોગ સફળ થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકઆઉટ જાહેર કર્યો છે તથા હાલ માછીઓની માંગ ના હોય ધંધો પણ ના હોય ગુજરાતના નવસારી સહિતના અનેક બંદરોના 8 થી 10 હજાર જેટલા માછીમારો હાલ ઓખાના બંદરે છે અને તમામ માછીમારો હાલ દરિયામાં બોટ પર જ રહે છે. તેમના માલિકો દ્વારા રાશન-પાણીની વ્યવસ્થા કરાઈ છે તથા આ હજારો માછીમારો દરિયામાં બોટમાં જ રહે છે. સ્વયં કોરેન્ટાઈન કરે છે.

ગઈકાલે જિલ્લા કલેક્ટર ડો. મીનાની સૂચનાથી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પટેલ ખાસ મેડિકલ ટીમ લઈને તેમની તપાસ કરી હતી તથા તેમને કોઈ સમસ્યા હોય તો પૂછી નિરાકરણ માટે વ્યવસ્થા કરી હતી તથા કોરોના સંદર્ભમાં સાવચેતીના પગલાની જાણકારી આપી હતી.

હાલ જ્યારે ચાર વ્યક્તિથી વધુને ભેગા થવાની મનાઈ છે ત્યારે ઓખાના દરિયાના કાંઠે 8-10 હજાર માછીમારોનું આ બોટ સેલ્ફઆઈસોલેશન હેઠળ છે.