માજી અમેરિકન ટેનિસ ખેલાડી પેટ્રિક મેકેનરોને લાગ્યો કોરોનાવાયરસનો ચેપ

અમેરિકન ડેવિસ કપ ટીમના માજી કેપ્ટન પેટ્રિક મેકેનરોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું છે કે તેને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે. 8 વારના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન જોન મેકેનરોના નાના ભાઇ પેટ્રકે કહ્યુ હતું કે 10 દિવસ પહેલા લક્ષણ દેખાયા પછી મેં ન્યૂયોર્કમાં ટેસ્ટ કરાવ્યો હતો.

પેટ્રિકે વધુમાં કહ્યું છે કે સારા સમાચાર એ છે કે હું સારું અનુભવી રહ્યો છું અને હવે બિમારીના કોઇ લક્ષણ જણાતા નથી. હું સૌ ટકા સ્વસ્થ હોવાનું અનુભવી રહ્યો છું. એક ખેલાડી તરીકે પેટ્રિકે એક એટીપી સિંગલ્સ અને 16 ડબલ્સ ટાઇટલ જીત્યા છે અને તેણે 1989માં ફ્રેન્ચ ઓપન ડબલ્સ ટાઇટલ જીત્યું હતું. પોતાના ભાઇના સ્થાને ડેવિસ કપ ટીમનો કેપ્ટન બનીને તે એક દશક સુધી એ પદ પર રહ્યો હતો. તેની આગેવાનીમાં અમેરિકાએ 2007માં ડેવિસ કપ ટાઇટલ જીત્યું હતું.