એક એવો દેશ જ્યાં કોરોના વાયરસ શબ્દ બોલવા પર પ્રતિબંધ, માસ્ક પણ પહેરી નથી શકાતો

વિશ્વભરમાં જો હાલ સૌથી વધુ બોલાતો શબ્દ હોય તો તે છે કોરોના વાયરસ, લોકોના મુ્ખેથી હાલ આ શબ્દ સૌથી વધુ વાર બોલાઇ રહ્યો છે અને ગૂગલ પર આજકાલ સૌથી વધારે સર્ચ થતો શબ્દ પણ કોરોના વાયરસ છે. ત્યારે વિશ્વમાં એક એવો પણ દેશ છે કે જ્યાં કોરોના કે કોરોનાવાયરસ શબ્દ બોલવા પર જ પ્રતિબંધ છે. તુર્કમેનિસ્તાન નામક દેશમાં કોરોના કે કોરોના વાયરસ શબ્દ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલું જ નહીં પણ અ દેશમાં લોકોને માસ્ક પહેરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે!

મીડિયા રિપોર્ટ પ્રમાણે, તુર્કમેનિસ્તાનની સરકારના આ ફરમાન બાદ સ્થાનિક મીડિયા અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વહેંચવામાં આવી રહેલા હેલ્થ ઈન્ફોર્મેશન બ્રોશરમાં આ શબ્દનો ઉપયોગ ટાળવામાં આવી રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે, કોરોનાની મહામારીમાં આ દેશમાં એકપણ પોઝિટિવ કેસ નથી.

દુનિયાભરમાં જે મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે તેના વિશે વાત કરનારા લોકોને આ દેશમાં પોલીસ પકડી રહી છે. રેડિયો એઝાટ્લીકના રિપોર્ટ પ્રમાણે, જનતા વચ્ચે ‘સ્પેશિયલ એજન્ટ’ સાદા કપડાંમાં ફરી રહ્યા છે. જે ચોરીછૂપીથી લોકોની વાતો સાંભળે છે જેથી કોરોના વાયરસે વિશે વાત કરતાં વ્યક્તિઓ વિશે માહિતી મેળવી શકાય.

દેશમાં કોરોનાનો કેસ ના હોવાનો દાવો કર્યો હોવા છતાં સરકાર આ જીવલેણ વાયરસને રોકવા માટે મહત્વના પગલાં ભરી રહી છે. જેમાં સ્ટેશનો પર તાપમાન માપવાથી માંડીને ભીડવાળા સ્થળોએ સાફ-સફાઈનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સિવાય દેશમાં ચાલી રહેલા નાગરિક આંદોલનો ખાસ કરીને રાજધાનીની બહારના વિસ્તારોમાં આના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.