દિલ્હી મરકઝમાંથી સુરત આવેલા 76 પૈકી 43ને કોરોન્ટાઈન કરાયા, અન્યોની શોધ

દિલ્હીના મરકઝમાંથી કુલ 2361 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જે પૈકી 617 લોકોમાં કોરોનાનાં લક્ષણો દેખાતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય  1744 લોકોને દિલ્હીમાં જ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. દિલ્હી મરકઝમાં ભાગ લઇને સુરત આવેલા 43 લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે.

દિલ્હીના નિઝામુદ્દીન ખાતે આવેલા મરકઝમાંથી 22મી માર્ચે લોકડાઉન બાદ લોકોનો જમાવડો હતો. આ સ્થિતિમાં તામીલનાડુની વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને અન્યો કેસો મળી આવ્યા હતા. આ તમામ કેસોની તપાસ કરતા ભોગ બનેલા લોકો મરકઝમાંથી પરત થયા હોવાનું બહાર આવતા દિલ્હી પોલીસ અને આરોગ્ય વિભાગે મરકઝમાં કાર્યવાહી કરતાં બે હજારથી વધુ લોકો હોવાનું બહાર આવ્યું હતું.

સુરતમાંથી કુલ 76 લોકો ગયા હોવાની વિગત હાથ લાગતા સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દોડતી થઈ હતી અને દિલ્હી મરકઝમાંથી પરત આવેલા લોકોની શોધ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે આખો દિવસ અને રાત્રીના સમય દરમિયાન સુરતના જુદા-જુદા વિસ્તારોમાં પોલીસ અને પાલિકાની ટીમોએ પરત ફરેલા લોકોની ભાળ મેળવવાનું શરૂ કર્યું હતું અને તમામને કોરોન્ટાઈન કરવાની કામગીરી શરૂ કરી હતી. જે પૈકી 43 લોકોની શોધ કરવામાં આવી ચૂકી છે જ્યારે બાકી રહેલા 33 લોકોની તપાસ કરવામાં આવી રહી છે.