તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારાઓને શોધવા ગયેલી પોલીસ પર અમદાવાદ ગોમતીપુરમાં પથ્થરમારો

દિલ્હીના નિઝામુદ્દીન મરકઝ ખાતે તબલીગી જમાતના નામના ધાર્મિક કાર્યક્રમ પછી દેશના અલગ-અલગ રાજ્યમાં પહોંચેલા લોકોમાંથી કેટલાક ગુજરાતમાં પણ આવી પહોંચ્યા છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને મોકલાયેલી યાદી અનુસાર કાર્યવાહી કરવા માટે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પહોંચેલી પોલીસ પર પથ્થરમારો થયો હોવાની ઘટના બની હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા અમદાવાદના 25 લોકોની શોધખોળ કરી લેવામાં આવી છે અને તેમને ક્વોરેન્ટીન પણ કરવામાં આવ્યા છે. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયાનું સામે આવ્યું છે. ગોમતીપુર વિસ્તારમાં તપાસ કરી રહેલી પોલીસની કામગીરીને અટકાવવા માટે પથ્થરમારો થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોમતીપુરમાં ખડકી દેવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા કાયદો હાથમાં લેવાની ઘટના બાદ DCP ઝોન-5 અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરી છે.

નોંધનીય છે કે, તબલીગી જમાતના કાર્યક્રમમાં 15 દેશના હજારો લોકો એકઠા થયા હતા. જેમાંથી 1000 જેટલા લોકો તાજેતરમાં ભારત આવ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આ કાર્યક્રમમાં ભાગ લઈને ગુજરાતમાં 1500 જેટલા લોકો આવ્યા હતા. આ કારણે રાજ્યમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.