દિલ્હીમાં તબ્લીગ જમાતના મરકઝનાં 24 લોકો કોરોના પોઝીટીવ, 700ને મોકલાયા કોરોન્ટાઈન સેન્ટર

દિલ્હીના નિઝામુદ્દીનમાં સ્થિત તબલીગી જમાતનાં મરકઝમાં અત્યાર સુધીમાં હાજર 24 લોકો કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી દિલ્હીના આરોગ્ય પ્રધાન સતેન્દર જૈને આપી છે. તેમણે કહ્યું કે અમને સચોટ આંકડો ખબર નથી, પરંતુ મરકઝમાં 1500થી 1700 લોકો એકઠા થયા હતા. અત્યાર સુધીમાં 1033 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

આરોગ્ય પ્રધાન સતેન્દર જૈને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 334 લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે 700 લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. ડોકટરોની ટીમો મરકઝમાં તપાસ કરી રહી છે અને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોની સફાઇ પણ કરવામાં આવી રહી છે.

નિઝામુદ્દીનમાં તબલીગી જમાતનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે દિલ્હીમાં એક 64 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. આ વ્યક્તિ કોરોના પોઝીટીવ મળી હતી. આ પછી 33 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. આ અહેવાલ બહાર આવ્યા બાદ આખો સ્ટાફ એક્શનમાં આવ્યો અને આખું સેન્ટર ખાલી કરાવ્યું.

એક આંકડા મુજબ 15 દેશોના લોકો નિઝામુદ્દીન સ્થિત જમાતના મરકઝ પર આવ્યા હતા. ઇન્ડોનેશિયા, મલેશિયા, શ્રીલંકા સહિત ઘણા દેશોના લોકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ લોકો ઇન્ડોનેશિયાથી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર 800 લોકો ઈન્ડોનેશિયાના મરકઝમાં રોકાયા હતા. હવે તેમની તપાસ શરૂ થઈ ગઈ છે.

નિઝામુદ્દીન સ્થિત મરકઝમાંથી 9 લોકોનાં મોત કોરોનાથી થયાં છે. મૃત્યુ પામનારાઓમાં તેલંગાણાથી કાશ્મીરના લોકો પણ હતા. આ પછી આખા દેશમાં હંગામો થયો છે. દરેક રાજ્યોએ એલર્ટ જારી કર્યું છે. જમાતનાં લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. તેલંગાણામાં આશરે 200 લોકોને ક્વોરોન્ટાઈ કરવામાં આવ્યા છે, જ્યારે તમિળનાડુમાં 800 લોકોની ઓળખ કરવામાં આવી છે.