લોકડાઉન વચ્ચે સુરતના ઓન્કોલોજીસ્ટ ડૉ.નિકુંજ વિઠ્ઠલાણીનું ‘ઘરમાં રહો’ કેમ્પેઇન

સુરતના જાણીતા ઓન્કોલોજીસ્ટ ડૉ.નિકુંજ વિઠ્ઠલાણીએ લોકડાઉનના સમયને યાદગાર અને ફળદ્રુપ બનાવવા ‘ઘરમાં રહો’ કેમ્પેઇન લૉન્ચ કર્યું છે. તેઓ આ અભિયાન થકી ઘરમાં રહીને સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમના મિત્રોને રચનાત્મક પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે સોશ્યલ મીડિયા દ્વારા પોતાના મિત્રોને ચેલેન્જ આપી કે, ‘તમે ઘરમાં રહી શું કરો છો એ ફોટો પોસ્ટ કરો’. આ સાથે તેઓ દરરોજ ઘરમાં રહી પોતાની વિવિધ પ્રવૃતિઓના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરી અન્ય મિત્રોને આ કેમ્પેઇનમાં જોડાવા ચેલેન્જ આપી રહ્યા છે.

તેમના ‘ઘરમાં રહો’ કેમ્પેઇનમાં રાજ્યના પ્રખ્યાત લેખકો, નાટ્યકારો, અભિનેતાઓ જોડાયા હતા. જેમાં લેખક, કવિ, તબીબ ડો.મુકુલ ચોક્સી, જય વસાવડા, હિતેનકુમાર, ડૉ.દક્ષેશ ઠાકર, નંદિની ત્રિવેદી, સંજય ગોરડિયા, એષા દાદાવાલા વગેરે પણ ઘરમાં પોતાની વિવિધ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરી આ અભિયાનને સમર્થન આપ્યું હતું.

ઓન્કોલોજીસ્ટ ડૉ. નિકુંજ વિઠ્ઠલાણીએ લોકોને સંદેશ આપ્યો હતો કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા અનેકવિધ પગલાં લઇ રહી છે, જેમાં દેશવાસીઓને ઘરમાં જ રહેવાથી કોરોનાને ફેલાતો અટકાવવામાં સહાયરૂપ થવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે આપણે રાષ્ટ્રપ્રેમી નાગરિક તરીકે દેશ પર આવી પડેલા સંકટના એકમાત્ર સચોટ ઉપાય તરીકે ઘરમાં રહી લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

તેમણે જણાવ્યું કે, ‘ઘરમાં રહો’ અભિયાન દ્વારા ‘હું ઘરમાં શું કરી રહ્યો છું’ એ સોશ્યલ મીડિયા દ્વારા પોસ્ટ કરું છું, અને મારા મિત્રોને મારા તરફથી ચેલેન્જ કરું છું કે તેઓ ઘરમાં રહીને હું જે પ્રવૃત્તિ કરી રહ્યો છું એ પ્રવૃત્તિ કરે. દા.ત. રસોઈ બનાવવી એ આપણને ખૂબ અઘરું કામ લાગે છે, પણ હું ઘરે રસોઈ બનાવવાનું પણ શીખી રહ્યો છું. આટલા દિવસના અનુભવ પરથી લાગે છે કે, રસોઈ બનાવવી એટલી અઘરી નથી. મેં મારા મિત્રોને #learntocook કેમ્પેઈનમાં જોડાવા પણ ચેલેન્જ આપી હતી. જે ફ્રેન્ડ્સને નોમિનેટ કરૂ છું તેમને ચેલેન્જ આપું છું કે આ કેમ્પેઇનમાં જોડાઓ અને મારી ચેલેન્જ એકસેપ્ટ કરીને પુરાવા સાથે ફેસબુક, ટ્વીટર, ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ મૂકો!. ઘરમાં રહેવાની પ્રવૃત્તિ પણ અઘરી નથી. ઘરમાં રહીને પ્રવૃત્તિ કરવાનું પણ અઘરું નથી એમ તેમણે ઉમેર્યું હતું.