કોરોના સંકટમાં પ્રજાને રામભરોસે છોડી થાઇલેન્ડના રાજા 20 મહિલાઓ સાથે જર્મની રવાના

થાઇલેન્ડના વિવાદી રાજા મહા વાજિરાલોંગકોર્ન ઉર્ફે રામ દશમ કોરોનાવાયરસ સામેના સંકટમાં પોતાની પ્રજાને રામ ભરોસે છોડીને જર્મની ચાલ્યા ગયા છે. થાઇલેન્ડના રાજાએ જર્મનીની એક આલીશાન હોટલને પોતાનો કિલ્લો બનાવ્યો છે, તેઓ પોતાની સાથે 20 મહિલાઓને લઇ ગયા છે, જે હોટલમાં જ બનેલા તેમના રાણીવાસમાં રહેશે. આ ઉપરાંત તેઓ પોતાની સાથે કેટલાક નોકરોને પણ લઇ ગયા છે. સાથે જ કોરોનાની આશંકાને કારણે તેમણે પોતાના પરિવારના લોકોને પણ પાછા મોકલી દીધા છે.

રાજાએ જર્મનીમાં લકઝરી હોટલ ગ્રાન્ડ સોન્નેબિચલને આખી જ બુક કરાવી લીધી

રાજા મહાએ કોરોના સંકટને કારણે પોતાના સેવકોની સાથે જર્મનીના અલ્પાઇન રિસોર્ટ સ્થિત એક લકઝરી હોટલમાં પોતાને આઇસોલેટ કરી લીધા છે. એવી માહિતી છે કે રાજાએ હોટલ ગ્રાન્ડ સોન્નેબિચલને આખી જ બુક કરાવી લીધી છે અને તેના માટે તેમણે ડિસ્ટ્રીક્ટ કાઉન્સીલ પાસે તેની સત્તાવાર મંજૂરી પણ મેળવી છે. રાજા મહા થાઇલેન્ડની રાજગાદી પર પોતાના પિતાના મોત બાદ 2016માં આરૂઢ થયા હતા.

67 વર્ષના રાજાએ હોટલમાં બનાવેલા હરમમાં 20 મહિલાઓ સાથે રાખી

ધ વીકના અહેવાલ અનુસાર 67 વર્ષના આ રાજાના રાણીવાસમાં 20 મહિલાઓ સાથે છે. વાયરસના વધતા પ્રભાવને કારણે જર્મનીમાં હોટલો અને ગેસ્ટહાઉસ બંધ કરવાના આદેશ અપાયા છે પણ ડિસ્ટ્રીક્ટ કાઉન્સીલનું કહેવું છે કે આ મહેમાન સિંગલ હોવાની સાથે એક જ સમૂહના હોવાથી તેમને મંજૂરી આપવામાં આવી છે.

પરિવારના 119 લોકોને પણ કોરોનાના ચેપના ભયથી થાઇલેન્ડ પરત મોકલ્યા

રાજાએ પોતાના પરિવારના 119 લોકોને કોરોનાથી ચેપી હોવાની શંકાને કારણે પરત થાઇલેન્ડ મોકલી દીધા છે. સંકટના સમયે રાજા ભાગી જતાં થાઇલેન્ડના લોકોમાં ભારે ગુસ્સો છે અને સોશિયલ મીડિયા પર તેઓ રાજાની ટીકા કરી રહ્યા છે. થાઇલેન્ડમાં કોરોનાના 1245 કેસ સામે આવ્યા છે.