કોરોનાના વધતા કેસ વચ્ચે સારા સમાચાર : દેશમાં 100 દર્દી સાજા થઇ ઘરે પહોંચી ગયા

ભારતમાં કોરોના વાયરસના વધતા દર્દીઓની સાથે સારા સમાચાર પણ આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં આ જીવલેણ બીમારીને 100 દર્દીઓ પરાસ્ત કરીને સાજા થઇ પોતપોતાના ઘરે પહોંચી ગયા છે.સરકારી આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 1,071 દર્દીઓ છે જ્યારે 29નાં મોત થયા છે અને 100 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈને ઘરે ગયા છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર કુલ દર્દીઓમાં 49 વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. કેરળમાં કોરોનાના સૌથી વધારે 194 કેસ સામે આવ્યા છે. અહીં 19 દર્દીઓ સાજા થયા છે. અહીં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.મહારાષ્ટ્ર બીજું એવું રાજ્ય છે જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધારે છે. અહીં અત્યાર સુધીમાં 193 લોકો કોરોનાનો શિકાર બન્યા છે. જો કે, અહીં 25 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. જે રાહતની બાબત ગણી શકાય.

હરિયાણામાં કોરોના વાયરસના 33 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 17 લોકો સાજા થયા છે. અત્યાર સુધી અહીં આ ઘાતક વાયરસે કોઈનો જીવ લીધો નથી. ઉત્તરપ્રદેશમાં કોરોનાના 75 કેસની પુષ્ટિ થઈ છે. જેમાંથી 11 દર્દીઓ સાજા થયા છે. યૂપીમાં સૌથી વધુ કેસ નોઈડામાં સામે આવ્યા છે. અહીં કોરોનાના 31 દર્દીઓ છે.ગુજરાતમાં કોરોનાના 69 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવામાં સારા સમાચાર એ છે કે બે મહિલાઓએ આ વાયરસ સામેની જંગ જીતી છે. બંને મહિલાઓને સાજી થતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.