કોરોનાને પહોંચી વળવા ગુજરાત તૈયાર, આઈસોલેશન બેડ સાથે સુસજ્જ   

આગામી દિવસોમાં કોરોનાના વાયરસનો ફેલવો વધે અને સ્થિતિને પહોંચી વળવાના પૂર્વાનુમાન વચ્ચે ગુજરાત સરકારે રાજયમાં જુદા જુદા જિલ્લાઓમાં ખાસ કોરોના હોસ્પિટલ ઉભી કરવાનું શરૂ કરી દીધું છે. રવિવાર સાંજ સુધીમાં રાજયમાં આ પ્રકારની ખાસ 3000 આઈસોલેશન બેડ તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત આગામી 10 દિવસમાં બીજા 2900 બેડ તૈયાર થશે. આ તમામ આઈસોલેશન વોર્ડમાં ICU અને અલાયદી આઈસોલેશન વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજયના રેવન્યુ વિભાગના એડિ. ચીફ સેક્રેટરી પંકજ કુમાર જેમને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કોવિડ-19 સામે લડવા માટેની સરકારીની તૈયારીઓની ઈનચાર્જ નિમવામાં આવ્યા છે તેમણે કહ્યું કે, ‘બે સપ્તાહ પહેલા રાજયના મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને જણાવ્યું હતું કે કોરોના વાયરસના કહેર સામે લડવા માટે રાજયમાં તમામ પ્રકારની સુવિધા તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવે. ત્યારે રાજયમાં સૌથી વધુ કોરોનાના કહેરવાળા અમદાવાદ જિલ્લામાં અમે ૧૨૦૦ બેડની એક હોસ્પિટલને ફકત કોરોનાના દર્દીઓ માટેની હોસ્પિટલમાં ફેરવી નાખી છે.

આ ઉપરાંત SVP હોસ્પિટલ અને સોલા હોસ્પિટલમાં આઈસોલેશનની વ્યવસ્થા સાથે બીજા કુલ 1000 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. આ જ રીતે રાજકોટમાં 500 બેડ અને વડોદરામાં 250 બેડની ખાસ વ્યવસ્થા સાથે ફકત કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે.’ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ‘આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ અન્ય 29 જિલ્લામાં ઓછામાં ઓછા ૧૦૦ બેડ આઈસોલેશન અને ICUની સુવિધા સાથે ફકત કોરોનાના દર્દી માટે તૈયાર રાખવા જણાવ્યું છે. જે આગામી 10 દિવસની અંદર તૈયાર કરી દેવામાં આવશે.

વરિષ્ઠ IAS અધિકારીઓને આ તમામ જિલ્લામાં ICU અને આઈસોલેશનની સુવિધા સાથેના ખાસ કોરોના દર્દીઓના બેડની વ્યવસ્થા કરવા માટેની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં જરૂર પડે તો કોરોના મહામારી સામે લડવા માટે હજુ પણ વધારે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગેના જુદા જુદા વિકલ્પો પર વિચાર કરી જ રહી છે.’