ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉનની ચુસ્ત અમલવારીના આદેશ આપતા ડીજીપી શિવાનંદ ઝા

રાજ્યના પોલીસ વડા  શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેની કડક અમલવારી માટે ગુજરાત પોલીસ સહેજ પણ કચાશ ચલાવી લેવા માંગતી નથી. રાજ્યના શહેરી વિસ્તારોમાં પોલીસનું એન્ટ્રી – એકઝીટ પોઇન્ટ પર સઘન ચેકીંગ ઉપરાંત સીસીટીવી અને ડ્રોન મારફતે સતત સર્વેલન્સ હાથ ધરીને જડબેસલાક સર્વેલન્સ- ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉનની ચુસ્ત અમલવારીના આદેશ આપી દેવાયા છે. એટલું જ નહિ સોસાયટીઓમાં પણ ચેકીંગ હાથ ધરવા તમામ જિલ્લાના પોલીસ વડાઓને સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું ડીજીપી ઝાએ ઉમેર્યું છે.

ડીજીપી શિવાનંદ ઝા એ વધુમાં ઉમેર્યું કે, સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સ મારફતે ગઇકાલથી સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તેના આધારે પણ ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલથી અત્યાર સુધીમાં સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સ મારફતે 14 ગુનાઓ દાખલ કરી કડક કાર્યવહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ, સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરી અફવાઓ ફેલાવતા વ્યક્તિઓ સામે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં સોશ્યલ મીડિયાનો દુરુપયોગ મામલે 46 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

જે વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે તેવી કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો તાત્કાલિક 100 નંબર પર પોલીસને તે વ્યક્તિ અંગે જાણ કરવા ડીજીપી ઝાએ પડોશીઓને અપીલ કરી છે.

તેમણે કહ્યું કે, લોકડાઉનની કડક અમલવારી માટે રાજ્યની 80 ટકા પોલીસ તૈનાત છે. બે શિફ્ટમાં જનતાની સેવામાં પોલીસ ખડેપગે રહે છે. 70 હજાર પોલીસ અધિકારી – કર્મચારીઓ, 36 હજારથી વધુ હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનો લોકડાઉનની કડક અમલવારી માટે ફરજ પર છે. જનતાના હિત માટે જ પોલીસ કડકાઈ કરી રહી છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતિને કેટલાક લોકો હળવાશથી લેતા હોવાની મળેલી વિગતોને ગંભીરતાથી લઈને સંબંધિત જિલ્લાઓના પોલીસ વડાઓને કડક અમલવારી કરાવવા સૂચનાઓ આપી દેવાઈ છે. હવે ક્રાઇમ બ્રાન્ચ અને રેપિડ એક્શન ફોર્સ પણ આવા વિસ્તારોમાં કડક અમલવારી કરાવશે. તે ઉપરાંત બિનજરૂરી બહાર નીકળતા વ્યક્તિઓના વાહન જપ્તીની કાર્યવાહી પણ ચાલુ છે.

પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 680 અને હોમ કવોરન્ટાઈન ભંગના 418 મળી કુલ 1098 ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 2041 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને 6131 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં કુલ 5898વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.