ભાવનગરમાં 45 વર્ષિય મહિલાનું કોરોનાના કારણે મોત, રાજ્યમાં કોરોનાનો મરણાંક 6 થયો

દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ લોકો સુધરવાનું નામ લેતા નથી અને નાના નાના કારણોસર લટાર મારવા માટે બહાર નીકળી રહ્યા છે ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. ભાવનગરના જેસર ગામના 45 વર્ષના મહિલાનું કોરોના વાયરસથી મોત થયું છે તેઓ સુરતથી ભાવનગર ગયા હતા, તેની સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોની કુલ આંકડો 6 પર પહોંચ્યો છે. આ સાથે ભાવનગરમાં કોરોનાના કારણે મૃત્યુનો બીજો કેસ નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 69 પર પહોંચ્યો છે.ભાવનગર જિલ્લામાં પાછલી રાત્રે આવેલા આંકડા પ્રમાણે વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં થયેલા મોતના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં ત્રણ, ભાવનગરમાં 2 અને સુરતમાં 1નું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં એક કોરોના વાયરસથી પીડિતી વ્યક્તિ સારવાર બાદ સ્વસ્થ થઈ છે. જ્યારે સૌથી વધુ પોઝિટિવ કેસનો આંકડો પણ અમદાવાદનો જ છે. અહીં 23 દર્દીઓ પોઝિટિવ છે જ્યારે ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં 9-9 કેસ છે, તો સુરતમાં 8, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2, મહેસાણામાં 1, પોરબંદરમાં 1, કચ્છમાં 1 પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં પાછલા 12 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભારતમાં કોરોના વાયરસના પોઝિટવ કેસનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે. જ્યારે 27નાં મોત થાય છે અને 96 લોકો સાજા થયા છે. હાલ દેશમાં એક્ટિવનો આંકડો 901 છે.