ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 6 નવા કેસ, 5 તો એકલા ભાવનગરના જ

ગુજરાતમાં લોકડાઉન છતાં લોકોના વ્યવહારમાં કોઇ સુધારો જણાતો નથી અનેં તેના કારણે કોરોનાના લોકલ ટ્રાન્સમિશનથી લાગતા ચેપની સંખ્યા વધી રહી છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં છ નવા કેસ નોંધાયા છે, જેમાં પાંચ તો માત્ર ભાવનગર જિલ્લાના જ છે. ચોંકાવનારી વાત એ છે કે આ પાંચેયને લોકલ ટ્રાન્સમિશથી ચેપ લાગ્યો છે. હાલ તમામને સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદમાં જે પોઝિટિવ કેસ આવ્યો છે તે વ્યક્તિ અમેરિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જો હજુ પણ લોકો લોકડાઉનની આ રીતે જ મજાક ઉડાવતા રહેશે તો પરિસ્થિતિ બદથી બદતર બની જવાની સંભાવના છે.

ભાવનગરમાં સામે આવેલા 5 કેસમાં 4 પુરુષો અને 1 મહિલાનો સમાવેશ થાય છે. જેમાં મહિલાની ઉંમર 45 વર્ષ છે. છેલ્લા બાર કલાકમાં જે એક મરણ થયું છે તે પણ ભાવનગર જિલ્લામાં જ થયું છે. મૃતક 45 વર્ષની વયના મહિલા હતા, જેમને કોરોના વાયરસની સાથે મગજની બીમારી પણ હતી અને સુરતથી તેમને ચેપ લાગ્યો હોવાની વાત બહાર આવી છે. અર્થાત આ મહિલાને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો છે, ગુજરાતમાં અત્યારસુધી કોરોનાના જે 69 કેસ નોંધાયા છે, તેમાંથી 33 લોકો લોકલ ટ્રાન્સમિશનથી તેનો ભોગ બન્યા છે. રાજ્યમાં આ વાયરસને કારણે છ લોકોના મોત થયા છે, અને તેમાંથી ત્રણ મૃતકો લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાગ્રસ્ત બન્યા હતા.

ગુજરાતમાં કોરોના વાયરસનો સૌ પ્રથમ કેસ સુરતમાં સામે આવ્યો હતો, અને ત્યારબાદ અમદાવાદ, વડોદરા અને રાજકોટ તેમજ ગાંધીનગર જેવા શહેરી વિસ્તારોમાં તેના કેસ જોવા મળ્યા હતા. જોકે, હવે કોરોના સૌરાષ્ટ્રના રાજકોટ સિવાયના અન્ય જિલ્લામાં પણ પહોંચી રહ્યો છે. રાજકોટમાં હાલ 9 કન્ફર્મ કેસ છે, જ્યારે 553 લોકોને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. રાજકોટ બાદ સૌથી વધુ પોઝિટિવ કેસ ભાવનગરમાં છે, જેની સંખ્યા 6 થાય છે, અને તેમાંથી બેના મોત થયા છે.

ભાવનગરમાં કુલ 57 લોકોના સેમ્પલ લેવામાં આવેલા છે, અને 41 લોકોને ક્વોરન્ટિન કરાયા છે. આ સિવાય પોરબંદરમાં 1 અને ગીર સોમનાથમાં બે કન્ફર્મ કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન જાહેર થયું તે વખતે જ સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ સહિતના જિલ્લામાંથી હજારોની સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર પહોંચ્યા છે.

ગુજરાતના ઘણા જિલ્લામાં હજુ કોરોનાનો એકેય કેસ નથી નોંધાયો. કોરોના વધુ ન વકરે તે માટે તમામ જિલ્લાની બોર્ડર પણ સીલ કરી દેવાઈ છે. જોકે, લોકો ગામડાંના રસ્તા અને ખેતરોમાં થઈને પણ બીજા જિલ્લામાં પ્રવેશી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેવામાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન અટકાવવા માટે પોલીસ હવે લોકડાઉનનો અમલ કરાવવા ડ્રોનની પણ મદદ લઈ રહી છે.