ગુજરાત માટે રાહતનાં ન્યૂઝ, કોરોનામાં સપડાયેલા વડોદરાનાં ત્રણ દર્દી સાજા થયા પણ તેમને રજા નહીં અપાય, કારણ જાણો

ગુજરાતમાં કોરોનાનાં કેસને ક્ન્ટ્રોલ કરવા માટે લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે. લોકલ ટ્રાન્સફોર્મેશન અટકે અને ચેપ વધુ ફેલાય નહીં તેના માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. વડોદરાના કોરોનાગ્રસ્ત ત્રણ દર્દીઓ સાજા થઈ ગયા છે પરંતુ તેમને અગમચેતી અને સાવધાનીનાં પગલારૂપે રજા આપવામાં આવશે નહીં.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે 19,661 વ્યક્તિઓ ક્વૉરેન્ટાઈન હેઠળ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ક્વૉરેન્ટાઈનનો ભંગ કરનાર 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

ડો. જયંતિ રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં જે 58 કેસ પોઝીટીવ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 07, રાજકોટમાં 08, વડોદરામાં 09, ગાંધીનગરમાં 09, ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથ સહિત પ્રત્યેક જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.

તેમણે ઉમેર્યું કે, કોરોના વાયરસ સંદર્ભે સંભવિત સંક્રમણને અટકાવવા તથા પોઝીટીવ દર્દીઓને તત્વિરત સારવાર પૂરી પાડવા રાજ્યનું વહીવટી તંત્ર સૂંપૂર્ણ સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને દરરોજ કોર કમિટીની બેઠકમાં જરૂરી માર્ગદર્શન અને યોગ્ય નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે.