સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ત્રણ કોરોના પોઝીટીવ કેસ

સૌરાષ્ટ્રમાં રવિવારે ૨૯મી માર્ચે એક જ દિવસમાં ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવતાં ફફડાટ મચ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં ફ્રાન્સથી રિટર્ન યુવકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેની ગણતરીની મિનિટોમાં જ પોરબંદરની એક મહિલા પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ગીર સોમનાથના વેરાવળમાં પણ એક મહિલા પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. ગીર સોમનાથમાં ગઈકાલે શનિવારે એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હતો, આજે તેની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ વેરાવળમાં કોરોના પોઝિટિવ બે દર્દી થયા છે.

ઉલ્લેખનીય છે કે, વધુ એક પોઝિટિવ કેસ સાથે રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા નવ ઉપર પહોંચી ગઈ છે. રાજકોટમાં 29 માર્ચના રોજ કુલ 14 લોકોના સેમ્પલનો કોરોના ટેસ્ટ થયો હતો. જેમાંથી એક પોઝિટિવ આવ્યો છે, બાકીના 13 નેગેટિવ આવ્યા છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે, રાજકોટ સિવિલમાં હાલ ત્રણ દર્દી છે, જ્યારે બાકીના 6 કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલી રહી છે.