ગુજરાતીઓ નહીં સુધરો તો કમોતે મરશો : લોકડાઉન છતાં 26 દર્દી લોકલ ટ્રાન્સમિશનના શિકાર

હાલ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે પણ ગુજરાતના લોકો ખાસ કરીને સુરત અમદાવાદના લોકો હજુ પણ એ લોકડાઉનને સરળતાથી લઇ રહ્યા છે, જો તેઓ નહીં સુધરે તો પોતે તો કમોતે મરશે જ પણ પોતાના પરિવારજનોને પણ કમોતે મારશે, આવું કહેવાનું કારણ એટલું જ છે કે ગુજરાતમાં કોરોનાના કન્ફર્મ કેસની સંખ્યા રોજેરોજ વધી રહી છે. ચિંતાજનક વાત એ છે કે, વાયરસના લોકલ ટ્રાન્સમિશનનો ભોગ બનેલા દર્દીઓની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. રાજયમાં રવિવાર સવાર સુધી 58 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 26 દર્દી એવા છે કે જેઓ વિદેશ કે રાજ્યની બહાર ગયા જ નથી છતાંય તેમને આ વાયરસનો ચેપ લાગ્યો છે. અર્થાત તેઓ લોકલ ટ્રાન્સમિશનનો શિકાર બન્યા છે એવું કહી શકાય

આરોગ્ય ખાતાના જણાવ્યા અનુસાર, ગુજરાતના 58 દર્દીઓમાંથી 28 દર્દીઓ ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે, જ્યારે 4 દર્દીઓ રાજ્યની બહાર ગયા હતા. જોકે, 26 દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. રાજ્યમાં કોરોનાના કારણે પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 1, આંતરારજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 2 અને લોકલ પ્રવાસની વિગત ધરાવતા 2 લોકોનો સમાવેશ થાય છે.  છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં જે નવા ત્રણ કેસ સામે આવ્યા છે તે ત્રણેય અમદાવાદના છે. જેમાંથી બે દર્દીને લોકલ ટ્રાન્સમિશનથી તેનો ચેપ લાગ્યો છે, અને એક દર્દી મુંબઈથી આવેલા હતા.

વિતેલા 12 કલાકમાં વધુ એક દર્દીનું મોત થયું છે. અમદાવાદના આ મૃતકની ઉંમર 47 વર્ષ હતી, અને તેઓ ડાયાબીટીસથી પીડાતા હતા. દેશમાં કોરોનાના અત્યારસુધી કુલ 919 કેસ નોંધાયા છે, અને છેલ્લા 24 કલાકમાં 46 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગુજરાત સિવાય મૃત્યુ બીજા કોઈ રાજ્યમાં નથી નોંધાયું. અત્યારસુધી દેશમાં કોરોના વાયરસે 19 લોકોનો જીવ લીધો છે, અને ગુજરાતમાં આ આંકડો 05નો છે.