લોકડાઉન: દારૂ ન મળતા આત્મહત્યાનાં બનાવો, કેરળમાં ડોક્ટરોને મળી દારૂ પ્રિસ્ક્રાઈબ કરવાની છૂટ

કોરોનાનાં કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં કેરળમાં લોકોની આત્મહત્યાના બનાવો બનતા કેરળ સરકારે નછૂટકે દારુ અંગે નિર્ણય લેવો પડ્યો છે. દારૂનું વેચાણ બંધ કરાયું હોવાથી ઘણાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, કેરળ સરકારે ડોક્ટરની સલાહ પ્રમાણે દારૂ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્ય પ્રધાન પિનરાય વિજયને શનિવારે કહ્યું હતું કે, જેઓ દરરોજ દારૂ પીધા વગર ન રહી શકતા નથી તેમને ટૂંક સમયમાં એક્સાઈઝ ખાતા તરફથી કાયદેસર આલ્કોહોલના નિયત ક્વોટાનો લાભ લેવાની તક મળશે.

જોકે, આવા લોકોએ ક્વોલિફાઈડ ડોક્ટર પાસેથી મેડીકલ સર્ટીફિકેટ લેવાનું રહેશે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન દારૂના વેચાણ પર પ્રતિબંધ કેરળમાં અનેક સામાજિક સમસ્યાઓ ઉભી કરી રહ્યું છે. આલ્કોહોલની દૈનિક માત્રાથી વંચિત લોકોમાં આત્મહત્યાની વૃત્તિ પ્રવર્તતી હતી.

કેરળમાં ઓછામાં ઓછા બે લોકોએ આત્મહત્યા કરી હતી. બીજા ઘણા લોકોએ માનસિક અને શારીરિક સમસ્યાઓ હોવાની ફરીયાદ કરી છે. એક્સાઈઝ ખાતાએ સ્વેચ્છાએ વ્યસન મુક્ત કરનારી વ્યક્તિઓને મફત સારવાર અને વોર્ડ આપવાની ઓફર કરી છે.

સરકારે એક્સાઈઝ વિભાગને જણાવ્યું છે કે કોવિડ-19 ફાટી નીકળવાથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને બજારમાં કાયદેસર દારૂ ઉપલબ્ધ કરાવવાનાં પગલાં સૂચવવાનાં રહે છે.