શું કોરોના વાયરસ પર HIVની દવા અસર કરે છે? ન્યૂયોર્કમાં બે દર્દીઓ પર થયો પ્રયોગ, જાણો પછી શું થયું?

અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાયરસના બે દર્દીઓને વેન્ટીલેટર પરથી હટાવી લેવામાં આવ્યા છે. બન્ને પેશન્ટ પર એચઆઈવી અને બ્રેસ્ટ કેન્સરની દવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ન્યૂયોર્કની હોસ્પિટલો કોરોનાનાં દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ડોક્ટરો કોરોના સામે ઝીંક ઝીલી શકે તેવી દવાની શોધમાં પડ્યા છે. ચેપને અટકાવવામાં મદદરૂપ થાય તેવી દવા માટે પ્રયોગ પર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.

ડેઈલી મેઈલના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે  લેરોનલિમાબ નામનું ઈન્જેક્શન દર્દીના પેઢુંના ભાગમાં બે વાર આપવામાં આવે છે.

ન્યૂયોર્કમાં સાત દર્દીઓ પર આ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાતેય દર્દી ગંભીર રીતે સપડાયા હતા. દવાના ડોઝ આપ્યા બાદ બે દર્દીને વેન્ટીલેટર પરથી હટાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે દર્દીઓની સ્થિતિ સુધારા પર હોવાનું મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

લેરોનલિમાબ ઈન્જેક્શન કેવી રીત કાર્યા કરી રહ્યું છે તે કહેવામાં હાલ ડોક્ટરો અસમર્થ છે. પરંતુ આ દવાના પ્રયોગ પછીનો અભ્યાસ સૂચવે છે કે આ દવા રોગ પ્રતિકારક શક્તિને આક્રમક રીતે મજબૂતી આપે છે. આ બિમારીને સાયટોકાઇન તોફાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તોફાન દર્દીને  ફેફસામાં બળતરા, ન્યુમોનિયા અને અંતે સંભવિત મૃત્યુ તરફ દોરી જાય છે.

જો લેરોનલિમાબ દવા કામ કરશે તો દવાની ઉત્પાદક કંપની સાયટોડિન 6 અઠવાડિયામાં એફડીએની મંજૂરી મેળવીને આ દવાનું ઉત્પાદન શરૂ કરી શકે છે. હાલમાં કોરોના વાયરસ સામે લડવા માટે કોઈ પણ દવાને એફડીએની મંજુરી મળી નથી.