કોરોના: 1200 જેટલા કેદીઓને બે માસ માટે પેરોલ –ઇન્ટ્રીમ બેલ પર મુકત કરાશે

વિશ્વવ્યાપી કોરોના કોવિડ-19 વાયરસના સંક્રમણને પ્રસરતું અટકાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જેલોમાં રહેલા કેદીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ જેલના કેદીઓ અંગેના આ નિર્ણય સાથે રાજ્યમાં નાગરિકોને જીવન જરૂરી ચીવસ્તુઓ સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે મુખ્યમંત્રીના આ નિર્ણયોની જાણકારી પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ કોરોના કોવિડ-19 વાયરસનું સંક્રમણ જેલોમાં રહેલા કેદીઓમાં ન થાય તે હેતુથી સુપ્રિમ કોર્ટે દિશાનિર્દેશો આપેલા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દિશાનિર્દેશ અનુસાર રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના અને કાચા કામના મળીને કુલ 1200 જેટલા કેદીઓને બે માસ માટે મુકત કરવાની નિયમાનુસાર થતી જરૂરી કાર્યવાહી માટે ગૃહ વિભાગને સૂચનાઓ આપી છે.

અશ્વિનીકુમારે આ વિગતો આપતાં ઉમેર્યુ કે, જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ તેમજ અન્ડર ટ્રાયલ કાચા કામના કેદીઓને ઇન્ટરીમ બેલ આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, આ કેદીઓને જેલમુકત કરતા પહેલાં તમામનું તબીબી પરિક્ષણ કરવામાં આવશે. એટલું જ નહિ, જો કોઇ કેદીમાં તાવ-શરદી કે અન્ય સંક્રમણ લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરાશે.  કેદીઓને ઘરે મોકલવાની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા કરવામાં આવશે એમ પણ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું.

લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં નાગરિકોને ઘઉં-ચોખા જેવી વસ્તુઓનો પુરવઠો વિના વિઘ્ને મળી રહે તે માટે 6 લાખ 45 હજર મે.ટન અનાજ એફ.સી.આઇ.ના ગોડાઉનમાં છે તેની વિગતો અન્ન-નાગરિક પુરવઠા સચિવ  મોહમદ શાહિદે આપી હતી.

તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં વધારાનો ૧ લાખ મે.ટન અનાજનો જથ્થો પણ ઉપલબ્ધ છે જ.

અન્ન નાગરિક પુરવઠા સચિવે ઉમેર્યુ કે, 20 હજાર મેટ્રિક ટન દાળ પણ નાફેડ પાસેથી ઉપલબ્ધ થાય તેની વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.

રાજ્યમાં 1.08 લાખ મે.ટન ઘઉં, 51 હજાર મે.ટન ચોખા, 6500 મે.ટન દાળ અને 10 હજાર મે.ટન ખાંડનો જથ્થો પણ એપ્રિલ માસની જરૂરિયાત મુજબ વિતરણ માટે પુરતા પ્રમાણમાં છે તેમ સચિવ શાહિદે જણાવ્યું હતું.

અન્ન નાગરિક પુરવઠા સચિવે એમ પણ કહ્યું કે, હાલની સ્થિતીએ જથ્થો જોતાં રાજ્યમાં ચાર માસ સુધી અનાજના જથ્થામાં કોઇ રૂકાવટ આવે તેમ નથી.