ગુજરાતને મોટી રાહત: કોરોનામાંથી કુલ પાંચ પેશન્ટ સાજા થયા

ગુજરાતમાં કોરોના 58 કેસો બાદ એક રાહતના સમાચાર આવવાની શરૂઆત થઈ છે. અમદાવાદની એક 34 વર્ષની મહિલા પેશન્ટને કોરોનાથી સંપૂર્ણ મુક્ત થઇને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. આ સાથે વડોદરામાં ત્રણ દર્દીઓ અને સુરતમાં એક મહિલા દર્દીના બે વખત કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેઓ પણ કોરોના વાયરસમાંથી સાજા થઈ ગયા છે. ગુજરાતમાંથી કુલ પાંચ દર્દીઓને કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે.

અમદાવાદમાં સામે આવેલા કોરોના વાયરસની પહેલી દર્દીને SVP હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી યુવતીને 18મી માર્ચે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. જ્યારે વિતેલા 24 કલાકમાં તેના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

સુરત માટે પણ રાહતના સમાચાર એ છે કે લંડનથી આવેલી સુરતની યુવતી કે જેનો ગુજરાતમાં પહેલો કોરોના પોઝિટિવ કેસ હતો એના પણ નેગેટિવ ટેસ્ટ આવી ચૂક્યા છે અને તે સાજી થઈ છે. તેને હોમ ક્વોરન્ટાઈનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

અગાઉ ગઈકાલે વડોદરાના ત્રણ પેશન્ટના પણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આમ ગુજરાતમાં કુલ પાંચ દર્દીઓને કોરોનામાંથી સાજા થયા છે. આ તમામ દર્દીઓને 14 દિવસના ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન ગાળામાં રહેવાનું છે. ત્યારબાદ તેમની સમયાંતરે હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે અને જરૂરી ટેસ્ટ પણ કરાવવામાં આવશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો નિયમ છે કે કોઇપણ કોરોના પોઝિટિવ દર્દીના ચોવીસ કલાકમાં બે ટેસ્ટ નેગેટિવ આવે તો તેનામાંથી વાયરસ અનલોડ થયો હોવાનું ગણાય અને તે સ્વસ્થ હોવાથી તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનો રહેશે.