સેનેટાઈઝેશન દરમિયાન સફાઈ કર્મચારીનું મોત, પોલીસે આપી સલામી, SDM બોલ્યા, “ફાલતુ ટાઈમ નથી”

જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં સફાઇ કામદાર બીમાર થઈ ગયો હતો. જેનું બાદમાં હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જ્યારે સિરાથુના એસડીએમ રાજેશ શ્રીવાસ્તવ સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, અમે કોરોનામાં વ્યસ્ત છીએ, ફાલતુ બાબતો માટે ટાઈમ નથી. અંતિમ સંસ્કાર પૂર્વે પોલીસ જવાનોએ તેના મૃતદેહને સલામી આપી હતી, જ્યારે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓનું વલણ આંચકાજનક હતું.

યુપીના ફતેહપુર જિલ્લાના હથગામ બ્લોકના આલીમાઉ ગામનો રહેવાસી સંદીપ વાલ્મીકી, કૌશાંબીની સિરાથુ નગર પંચાયતમાં કોન્ટ્રાક્ટ મજૂર તરીકે નોકરી કરતો હતો. 23 માર્ચે કોરોના વાયરસ જેવા રોગચાળાથી સામાન્ય લોકોને બચાવવા માટે ગ્લોવ્ઝ જેવા જરૂરી સંસાધનોની ગેરહાજરીમાં પણ જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો હતો.

સંદીપ સાથે કામ કરતા મજૂરો દાવો કરે છે કે દવાનો ગેસ શ્વાસ દ્વારા તેના શરીરમાં પ્રવેશ્યો હતો અને છાંટતી વખતે તે બેભાન થઈ ગયો હતો. મિત્રોએ સંદીપને હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ તે ત્યાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

સંદીપનો મૃતદેહ ગામ પહોંચ્યો ત્યારે પોલીસકર્મીઓ સહિત અન્ય લોકોએ તેમને સલામી આપી હતી. સંદિપ તેની પત્ની અને બે સંતાનો પાછળ મૂક્તો ગયો છે. સિરાથુ નગર પંચાયતના પ્રમુખ ભોલા યાદવના જણાવ્યા મુજબ સંદીપના પરિવારને નાણાકીય સહાય રૂપે 50,000 આપવામાં આવ્યા છે, પરંતુ સરકાર તરફથી કોઈ મદદ કે ખાતરી મળી નથી.

જ્યારે આ મામલે સિરાથુના એસડીએમ રાજેશ શ્રીવાસ્તવ સાથે વાત કરવામાં આવી હતી, ત્યારે તેમનું વલણ ખૂબ બેજવાબદાર હતું. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે તેમની પાસે આ વસ્તુઓ માટે સમય નથી. તેમણે કહ્યું કે અમે કોરોનામાં વ્યસ્ત છીએ, ફાલતુ વસ્તુઓ માટે ટાઈમ નથી.