ઓલિમ્પિક્સ 1 વર્ષ સ્થગિત થવાથી સેરેના-ફેડરર સહિત કેટલાક સ્ટાર ખેલાડીની સુવર્ણ વિદાય પર પડશે અસર

ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત થવાના કારણે ઘણાં ખેલાડીઓની ગોલ્ડન વિદાય પર મોટી અસર પડવાની સંભાવના દેખાઇ રહી છે. આ સ્ટાર ખેલાડીઓની વયમાં વધુ એક વર્ષ ઉમેરાશે તો તેના કારણે પોતાના સંભવત: અંતિમ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાની તેમની આશાઓ સામે મોટો પડકાર ઊભો થઇ ગયો છે. આ દિગ્ગજોમાં સ્ટાર ગોલ્ફર ટાઇગર વુડ્સ, ટેનિસ ખેલાડી રોજર ફેડરર અને સેરેના વિલિયમ્સ, તેમજ દોડવીર જસ્ટિન ગેટલીન અને એલિસન ફેલિક્સ, ચીનના શટલર લિન ડેન જેવા નામનો સમાવેશ થાય છે.

સેરેના અને ફેડરર હાલ બંને 38 વર્ષ પૂરા કરવાના આરે છે અને આવતા વર્ષના ઓલિમ્પિક્સ સમયે તેમની વય 40ની સાવ નજીક હશે. ટાઇગર વુડ્સ 44 વર્ષનો છે, તો સ્પ્રીન્ટ ગેટલિન 38નો અને ફેલિક્સ 34 વર્ષની છે. લિન ડેન 36 વર્ષનો છે. હવે આ બધાની વયમાં એક એક વર્ષનો વધારો થશે અને તેમની ઉંમરની અસર તેમની રમત પર પડવાની શક્યતા ઘણી વધારે છે.

રોજર ફેડરરનું ઓલિમ્પિક્સમાં અત્યાર સુધીનું પ્રદર્શન

20 વારના ગ્રાન્ડસ્લેમ વિજેતા સ્વિટ્ઝરલેન્ડનો રોજર ફેડરર 8 ઓગસ્ટ 2021માં પોતાની 40 વર્ષની વય પુરી કરી દેશે. ફેડરર 2000ની સિડની ઓલિમ્પિક્સમાં સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચ્યો હતો. 2008ની બૈજિંગ ઓલિમ્પિક્સમાં સ્ટેન વાવરિંકા સાથે મળીને ડબલ્સ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સિંગલ્સમાં તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. લંડન ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને છેલ્લા 2016ના રિયો ઓલિમ્પિક્સમાં તે ઇજાના કારણે ભાગ લઇ શક્યો નહોતો.

સેરેના વિલિયમ્સનું ઓલિમ્પિક્સમાં અત્યાર સુધી પ્રદર્શન

અમેરિકન ટેનિસ સ્ટાર પણ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં 40 વર્ષ પુરા કરી લેશે. સેરેનાના નામે પહેલાથી જ 4 ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ છે. 2012ના લંડન ઓલિમ્પિક્સમાં સિંગલ્સ, બહેન વિનસ સાથે 2000ના સિડની, 200 બૈજિંગ અને 2012 લંડન ઓલિમ્પિક્સમાં ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રિયો 2016માં બંને બહેનો પહેલા રાઉન્ડમાં જ હારી ગઇ હતી. જ્યારે સિંગલ્સમાં સેરેના ત્રીજા રાઉન્ડમાં સ્વિતોલીના સામે હારી હતી. સેરેના માટે ટોક્યો ઓલિમ્પિક્સ એમ પણ સરળ રહેશે નહીં, કારણ આ વર્ષે યોજાયેલી પહેલી ગ્રાન્ડસ્લેમમાં તે ત્રીજા રાઉન્ડમાં જ હારી ગઇ હતી.

ટાઇગર વુડ્સ માટે અમેરિકન ટીમમાં સ્થાન મેળવવું સરળ નથી

અનુભવી ગોલ્ફર ટાઇગર વુડ્સ આવતા વર્ષે ડિસેમ્બર મહિનામાં 46 વર્ષ પૂર્ણ કરી લેશે. આ વર્ષે જ ડિસેમ્બરમાં તે 45નો થઇ જશે. 15 મેજર ટૂર્નામેન્ટ જીતનારા ટાઇગર વુડ્સ માટે અમેરિકન ટીમમાં સ્થાન મેળવવું સરળ નહીં રહે. હાલ તે છઠ્ઠા રેન્કિંગનો અમેરિકન ખેલાડી છે. જ્યારે ચાર શ્રેષ્ઠ રેન્કિંગના ખેલાડીઓ જ ઓલિમ્પિક્સમાં સ્થાન મેળવવાની આશા છે. પીઠની ઇજા પછી ફોર્મ બાબતે વુડ્સ સતત સંઘર્ષ કરી રહ્યો છે. રિયો ઓલિમ્પિક્સ 2016માં પણ તે ઘાયલ થયો હતો.

લિન ડેનનું ઓલિમ્પિક્સમાં અત્યાર સુધીનું પ્રદર્શન

ચીનનો બેડમિન્ટન સ્ટાર લિન ડેન આવતા વર્ષે ઓલિમ્પિક્સ સુધીમાં પોતાના જીવનના 37 વર્ષ પૂર્ણ કરી લેશે. તેણે 2008 બૈજિંગ અને 2012ના લંડન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પાંચવારનો આ વર્લ્ડ ચેમ્પિયન રિયો ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ માટેની મેચ હારી ગયો હતો. સેમી ફાઇનલમાં તેના કટ્ટર પ્રતિસ્પર્ધી લી ચોંગ વેઇ સામે તે હાર્યો હતો. જેને તેણે 2008 અને 2012ની ફાઇનલમાં હરાવ્યો હતો.

એલિસન ફેલિક્સનું અત્યાર સુધીનું ઓલિમ્પિક્સમાં પ્રદર્શન

અમેરિકાની મહિલા સ્પ્રિન્ટર એલિસન ફેલિક્સ ઓલિમ્પિક્સના ઇતિહાસમાં 6 ગોલ્ડ મેડલ જીતનારી એકમાત્ર મહિલા એથ્લેટ છે. તે બે વર્ષથી ટોક્યો ઓલિમ્પિક્સની તૈયારીમાં જોતરાઇ હતી. ફેલિક્સ સતત પોતાનો 5મો ઓલિમ્પિક્સ રમવા માટે ઉતરશે. હાલમાં પોતાની જીંદગીના 34 વર્ષ પુરા કરનારી ફેલિક્સ આ વર્ષે જ નવેમ્બર મહિનામાં 35 વર્ષ પૂરા કરશે. આ સ્થિતિને ધ્યાને લેતા જો આવતા વર્ષે ઓલિમ્પિક્સ ઉનાળા પછી રમાશે તો ફેલિક્સની વય પણ 36ની પાસે પહોંચી જશે અને તે એક સ્પ્રિન્ટર માટે મોટું ફેક્ટર બની શકે છે.

જસ્ટિન ગેટલિને હવે પોતાની નિવૃત્તિને એક વર્ષ ટાળવી પડી

અમેરિકન દોડવીર જસ્ટિન ગેટલીને આ વર્ષે ટોક્યો ઓલિમ્પિક્સ પછી નિવૃત્તિની જાહેરાત કરવાની યોજના બનાવી હતી. ઓલિમ્પિક્સ ટળી જવાને કારણે હવે તેણે પોતાની નિવૃત્તિનો નિર્ણય પણ ટાળવો પડ્યો છે. ગેટલિન માટે આ ચોથો ઓલિમ્પિક્સ રહેશે. જો કે 2004ના આ ઓલિમ્પિક્સ ચેમ્પિયન માટે અમેરિકન ટીમમાં સ્થાન મેળવવું જ સરળ નહીં રહે. તેને ક્રિસ્ટીયન કોલમેન તેમજ નોહ લોયન્સના પડકારનો સામનો કરવો પડી શકે છે. આ બંને પણ 100 અને 200 મીટરમાં પોતાની દાવેદારી રજૂ કરી શકે છે.

લિએન્ડર પેસ પોતાની નિવૃત્તિ લેવાનો નિર્ણય ફેરવી શકે છે

7 વાર ઓલિમ્પિક્સ રમી ચુકેલા ભારતના ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે આમ તો પ્રોફેશનલ ખેલાડી તરીકે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે, જો કે ત્યારે તેને એ અંદાજ નહોતો કે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે ટળી જશે. હવે પોતાનો 8મો ઓલિમ્પિક્સ રમવા માટે 1996ના એટલાન્ટા ઓલિમ્પિક્સનો આ મેડલ વિજેતા પોતાના નિર્ણયમાં ફેર વિચારણા કરી શકે છે.

જમૈકાની મર્લિન ઓટીએ 40 વર્ષની વયે ઓલિમ્પિક્સ મેડલ જીત્યો હતો

ઓલિમ્પિક્સમાં મહિલાઓમાં સૌથી મોટી વયની ખેલાડીની વાત કરવામાં આવે તો જમૈકાની મર્લિન ઓટીનું નામ સામે આવે છે. મર્લિને 2000ના સિડની ઓલિમેપિક્સમાં 4X100 મીટરની રિલે દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એ મેડલ તેણે જીત્યો ત્યારે તેની વય 40 વર્ષની હતી. આ ઉપરાંત જો સૌથી નાની વયની મહિલા ખેલાડીની વાત કરવામાં આવે તો સીરિયાની 11 વર્ષની કીહેન્દ જાજા ટોક્યો ઓલિમ્પિક્સમાં સૌથી નાની વયની ખેલાડી બનશે. જ્યારે જાપાની મુળની બ્રિટીશ સ્કેટબોર્ડ ખેલાડી સ્કાઇ બ્રાઉન તેનાથી માત્ર 5 મહિના જ મોટી છે.