મારૂતિ સુઝુકી કંપની વેન્ટીલેટર અને માસ્ક બનાવશે : દર મહિને 10 હજાર વેન્ટિલેટર બનાવવાનો સંકલ્પ

કોરોના વાયરસ રોગચાળા સામે લડવા માટે સરકારના પ્રયાસોમાં પોતાનો સાથ આપવા દિગ્ગજ કાર કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ પણ સામેલ થઇ છે. કંપનીએ વેન્ટિલેટર અને માસ્ક તેમજ અન્ય સુરક્ષાત્મક સાધનો બનાવવા માટે કેટલીક કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે. કંપનીએ દર મહિને 10 હજાર વેન્ટિલેટર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

મારૂતિ સુઝુકી દ્વારા મળેલી માહિતી અનુસાર તેમણે વેન્ટિલેટરની ટેક્નોલોજી અને તેના નિર્માણ સાથે જોડાયેલા મુદ્દાઓના નિરાકરણ માટે AGVA હેલ્થકેર સાથે સમજૂતી કરી છે. વેન્ટિલેટરમાં ઉપયોગમાં લેવાનારી સાધન સામગ્રીના નિર્માણ માટે કંપનીએ પોતાના સપ્લાયર અને વેન્ડરોની મદદ લેવાનો નિર્ણણ કર્યો છે. તેમાં જેટલી પણ રકમનું રોકાણ થશે એ તમામ વ્યવસ્થા મારૂતિ સુઝુકી દ્વારા કરવામાં આવશે,

મારૂતિ આ સાથે જ 3 પ્લાઇ માસ્કનું પણ નિર્માણ કરશે. તેના માટે કંપનીએ પોતાના જોઇન્ટ વેન્ચર કૃષ્ણા મારૂતિ લિમિટેડને અધિકૃત કરી છે. તેના માટે જરૂરી મંજૂરી મળતાની સાથે જ તેનું ઉત્પાદન શરૂ કરી દેવાશે. આ માસ્કનો પુરવઠો હરિયાણા અને કેન્દ્ર સરકારને પુરો પાડવામાં આવશે, એટલું જ નહીં કૃષ્ણા મારૂતિના જેવી પાર્ટનર અશોક કપૂરે કહ્યું છે કે તેઓ સરકારને 2 મિલિયન માસ્ક વિના મુલ્યે પુરા પાડશે.