આઇસીસીએ વીડિયો કોન્ફરન્સ કરી મુખ્ય ટૂર્નામેન્ટોની વિવિધ આકસ્મિક યોજના અંગે ચર્ચા કરી

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના પ્રભાવશાળી બોર્ડે કોવિડ 19 રોગચાળાને ધ્યાને લઇને શુક્રવારે ટી-20 વર્લ્ડકપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સહિતની પોતાની મુખ્ય ટૂર્નામેન્ટ માટે વિવિધ આકસ્મિક યોજનાઓ પર ચર્ચા કરી હતી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) વતી અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં ભાગ લીધો હતો. કોરોનાવાયરસને કારણે વિશ્વભરમાં રમત સ્પર્ધાઓ ઠપ થઇ છે, ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ થનારી ઘણી દ્વિપક્ષિય સીરિઝ પણ રદ થવાના ભણકારા વાગી રહ્યા છે.

બેઠકમાં હાલ કોઇ ટૂર્નામેન્ટને પાછળ ખસેડવા કે તારીખોમાં ફેરફાર કરવા અંગે કોઇ નિર્ણય નથી લેવાયો

આઇસીસી દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે રોગચાળાને કારણે વૈશ્વિક સ્તરે રમતો પર પડી રહેલા પ્રભાવની ચર્ચા કરવામાં આવી હતી. ટૂર્નામેન્ટને આગળ સરકાવવા કે અન્ય તારીખોમાં ફેરફાર કરવા માટે કોઇ નિર્ણય લેવાયો નથી. આઇસીસીના મુખ્ય કાર્યકારી મનુ સાહનીએ જણાવ્યું હતું કે આઇસીસી મેનેજમેન્ટ આઇસીસી ટૂર્નામેન્ટ બાબતે આકસ્મિક યોજના પર કામ કરતું રહેશે. તેની સાથે જ આ રોગચાળા સાથે જોડાયેલી વિવિધ પરિસ્થિતિઓના આધારે તે તમામ ઉપલબ્ધ વિકલ્પો પર પણ વિચારણા કરવા માટે સભ્ય દેશો સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

આઇસીસી ઇવેન્ટ માટે ઉપલબ્ધ તમામ વિકલ્પની માહિતી મેળવવા સભ્યો સાથે મળીને કામ કરાશે : આઇસીસી

બોર્ડના એક સભ્યને પુછાયું કે ઇંગ્લેન્ડ જો પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝની યજમાની નહીં કરી શકે તો પછી શું થશે, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે પોઇન્ટ વહેંચણીનો કેસ ટેક્નીકલ સમિતિને સોંપવામાં આવશે. સભ્ય દેશોના પ્રતિનિધિએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે આવું ત્યાં સુધી નહીં થઇ શકે જ્યાં સુધી કોઇ સૌહાર્દપૂર્ણ નિરાકરણ ન નીકળી આવે. એવું થઇ શકે કે ઇંગ્લેન્ડ લોકડાઉન અને એફટીપી (ફ્યુચર ટ્રાવેલ પ્લાન)માં વ્યસ્તતાને કારણે 3 સીરીઝ નહીં રમી શકે અને ભારત છ સીરિઝ રમે અને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહે. બોર્ડના કેટલાક સભ્યોને લાગે છે કે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ પર હાલ કોઇ જોખમ નથી, કારણકે ઓક્ટોબર હજુ ઘણો દૂર છે.