કોરોના સંકટઃ ગુજરાત સરકાર 3.25 લાખ બાળકોને કરશે આર્થિક મદદ

જીવલેણ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતની રાજ્ય સરકારે 3.25 લાખ વિદ્યાર્થીઓને 1500 રૂપિયા આપશે.

ગુજરાતની આશ્રમશાળા, સમરસ હોસ્ટેલ અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા વિદ્યાર્થીઓ જે હાલ પોતપોતાના ઘરે ગયા છે. તેમને રાજ્ય સરકાર એપ્રિલ મહિનાના ખર્ચ પેઠે 1500 રૂપિયા આપશે. આ રકમ તેમના વાલીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાળ સંભાળ ગૃહમાં રહેતા બાળકોને પણ સહાય મળશે. રાજ્યમાં દિવ્યાંગ છાત્રાલયમાં રહેતા, અભ્યાસ કરતા અને હાલ ઘરે ગયેલા 11 હજાર દિવ્યાંગ બાળકોને સહાય કરવામાં આવશે.

એક અંદાજ પ્રમાણે રાજ્યમાં 11 હજાર જેટલા દિવ્યાંગ બાળકો છે. આ સિવાય જે વિદ્યાર્થીઓ બાળ સંભાળ ગૃહમાં રહે છે તેમને પણ આ પ્રમાણે 1500 રૂપિયાની સહાય કરવામાં આવશે.