ગુજરાતથી પોતાના ગામ ભણી જઈ રહેલા ચાર મજૂરો પર ટેમ્પો ફરી વળ્યો, ચારેયનાં મોત

કોરોનાનાં લોકડાઉનની વચ્ચે ગુજરાતથી મહારાષ્ટ્ર ભણી પોતાના ઘરે પરત ફરી રહેલા ચાર મજૂરો પર પાલઘર પાસે ટેમ્પો ફરી વળતા ચારેયના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ગુજરાતથી 600 કિમી દુર આવેલા પોતાના ગામ જવા માટે ચારેય મજૂરો નીકળ્યા હતા.

આ ઉપરાંત અન્ય ત્રણને ગંભીર પ્રકારની ઈજા થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અમદાવાદ-મુંબઈ હાઈવે પર ગઈ રાત્રે પાલઘર નજીક બની હતી.

વિરાર પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્વ ગુનો દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે.

વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉનની જાહેરાત કરી છે અને તેમાં વિવિધ રાજ્યોમાં ફસાયેલા મજૂરો પોતાના ગામ જવા માટે ઉતાવળા બન્યા છે.

રોજિંદા પગાર પર કામ કરતા મજૂરો 21 દિવસ લાંબા લોકડાઉનને લઈને ગામ જવા માટે પગપાળા નીકળી પડ્યા છે. કેટલાક રાજ્યોના હાઈવે પર કોરોનાનાં ડર વિના મજુરો સીધા જ ટોળેટોળામાં ગામ ભણી કૂચ કરી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.