ખાનગી તબીબો પોતાનું ક્લિનિક રાબેતા મુજબ ચાલુ રાખીને ઓપીડી ચલાવે: નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલે રાજ્યમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસ સંદર્ભે ચાર મહાનગરોમાં કોરોના દર્દીઓ માટે ઉભી કરાયેલી ખાસ હોસ્પિટલોની સુવિધાઓ અંગે આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા માટે જે પગલાં લેવાઇ રહ્યાં છે તેની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે જે ખાસ હોસ્પિટલો કાર્યરત કરાઇ છે તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર, માસ્ક, PPE (પર્સનલ પ્રોટેક્ટ ઇક્વિપમેન્ટ) , સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓના  પૂરતી માત્રામાં જથ્થા સંદર્ભે વિસ્તૃત સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યું હતું.

ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, જિલ્લા કલેકટરો સહિત અત્રેથી નોડલ ઓફિસરોની ખાસ નિમણૂક કરાઇ છે જેમાં, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર એમ.એસ પટેલ અને ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા કે જેઓ  ત્યાં રૂબરૂ રોજ-બરોજ સમીક્ષા કરે છે તેની વિસ્તૃત વિગતો આપીને આ તૈયારી અંગે  નાયબ મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા.

નાયબ મુખ્ય મંત્રીએ આ ચારેય મહાનગરપાલિકાઓમાં કાર્યરત હોસ્પિટલમાં જે અલાયદી વ્યવસ્થા ઊભી કરાઇ છે તેમાં શું શું વ્યવસ્થા છે તેનું કેટલોગ બનાવીને સંભવિત પરિસ્થિતિમાં દર્દીઓને વધુને વધુ સારી સારવાર કેવી રીતે આપી શકાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરવા સૂચનાઓ આપી હતી. તેમણે હોસ્પિટલોમાં 14 દિવસના કોરેન્ટાઈનવાળા દર્દીઓની સારવાર માટે કાર્યરત તમામ આરોગ્ય કર્મીઓને પણ પૂરતી તકેદારી રાખવા તથા PPE કિટ સહિતની સુવિધાઓનું અને જે કર્મીઓ સિફ્ટ મુજબ ડ્યુટી કરે છે તેમને ડ્યુટી બાદ પણ એ જ કેમ્પસમાં પૂરતી તકેદારી સાથે સવલતો મળી રહે તેમ પણ ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી.

તેમણે ઉમેર્યું કે ખાનગી તબીબો પણ પોતાનું ક્લિનિક રાબેતા મુજબ ચાલુ રાખીને ઓપીડી ચલાવે અને રૂટિનના દર્દીઓની પણ સારવાર કરે અને સહકાર આપે એ માટે અનુરોધ કર્યો છે. આ ઉપરાંત ખાનગી તબીબો સરકારી હોસ્પિટલોમાં પણ સેવાઓ આપે તે માટે પણ અપીલ કરી છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ જયંતિ રવિએ કહ્યુ કે રાજ્યના ચારેય મહાનગરોમાં ખાસ હોસ્પિટલો ઉભી કરાઈ છે તેમાં, અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ, વડોદરા અને રાજકોટમાં 250-250 બેડની સુવિધા ઉપલબ્ધ છે. જરૂર પડે તો બેડની સુવિધામાં પણ વધારો કરવાનું આયોજન છે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ  પંકજકુમારે ચારેય મહાનગરોમાં કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો તથા નોડલ અધિકારીઓએ આ હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે સવિસ્તૃત ચર્ચા કરીને તેનું રોજ-બરોજ મોનિટરિંગ કરવા પણ સૂચના આપી હતી.

આ પ્રસંગે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સ્ટેટ કોરોના આર.આર.સી. ડૉ.કમલેશ ઉપાધ્યાય, સિવિલ હોસ્પિટલ અમદાવાદના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. ગુણવંત રાઠોડ, ફૂડ અને ડ્રગ કમિશનર એચ.જી.કોશિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.