બરેલીની તમન્ના અલી અને અનિસ ખાને પોતાના પુત્રનું નામ ‘રણવિજય’ કેમ પાડ્યું ?

દેશભરમાં 21 દિવસના લોકડાઉનના લીધે ઘરમાં બંધ લોકોને મુશ્કેલી પડી રહી છે અને બહાર રખડવા માટે નીકળી પડતાં લોકોને દંડાની પ્રસાદી મળી રહી છે અને તેના કારણે લોકો પોલીસને ગાળો પણ ભાંડે છે. જો કે પોલીસ માત્ર દંડા જ નથી અઆપતી પણ જ્યાં જરૂર જણાય ત્યાં મદદ પણ કરી રહી છે. કેટલાક ઠેકાણે ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને પોલીસ દ્વારા ખાવાનું આપવામાં આવી રહ્યું છે. આવા સમયે નોઇડા પોલીસના એક એવા અધિકારીની અહીં વાત કરવી છે જેમની પ્રશંસનીય કામગીરી તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે. આ કિસ્સો છે તમન્ના અને તેના પતિ અનીસ ખાનનો. મુસ્લિમ તમન્ના અલીને હિંદુ પોલીસકર્મીએ કરેલી મદદ એટલી સ્પર્શી ગઈ કે તેણે પોતાના નવજાત દીકરાનું નામ પોલીસકર્મીના નામ પરથી ‘રણવિજય’ પાડી દીધું.

બરેલીની રહેવાસી તમન્નાના પતિ અનીસ ખાન કોઈ અંગત કામે 10 દિવસ પહેલા નોઈડા ગયા હતા. તેઓ પરત આવવાની તૈયારી કરતા હતા ત્યારે જ લોકડાઉનના સમાચાર આવ્યા. આ તરફ ઘરે પ્રેગ્નેન્ટ પત્ની તમન્ના એકલી હતી. અનીસ નોઈડાથી પરત આવી શકતો નહોતો અને તમન્ના ઘરે એકલી પરેશાન થતી હતી. બુધવારે તમન્નાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કરીને પોતાની પરેશાની શેર કરી હતી.

વિડીયો બરેલીના એસપી સુધી પહોંચ્યો તો તેમણે નોઈડામાં તહેનાત એડીસીપી કુમાર રણવિજય સિંહને આ મામલે મદદ કરવાનું કહ્યું. આ દરમિયાન રણવિજય એક મેડિકલ સ્ટોર પર અમુક દવા ખરીદતા હતા. આ તરફ તમન્નાની હાલત બગડી હતી. તેમણે તમન્નાને ફોન કરીને અનીસનું ચોક્કસ લોકેશન મેળવ્યું. દરમિયાન તેમને એવી જાણકારી મળી કે તમન્નાને લેબર પેન શરૂ થઈ ગયું છે અને તેના ઘરમાં કોઈ નથી.

બુધવારે રાત્રે લગભગ 11 વાગ્યે રણવિજયે ગાડીની વ્યવસ્થા કરીને તેના પર ઓર્ડર પાસ લગાવીને અનીસને બરેલી મોકલ્યો. રાત્રે 2.30 કલાકે અનીસ બરેલી પહોંચ્યો ત્યારે આસપાસના લોકોની મદદથી તમન્ના હોસ્પિટલ પહોંચી હતી. અનીસે જણાવ્યું કે, ‘મારી પત્નીએ જ્યારે મને જોયો ત્યારે તેની આંખમાંથી આંસુ અટક્યા. તેણે તરત રણવિજય સરને મેસેજ કરીને કહ્યું કે, જો દીકરો જન્મશે તો તેનું નામ રણવિજય પાડીશ. હું બરેલી પહોંચ્યો એની 45 મિનિટમાં જ મને પિતા બનવાની ખુશી મળી. અમે દીકરાનું નામ રણવિજય રાખ્યું છે. મારી પત્નીને જરાપણ આશા નહોતી કે હું તેના સુધી પહોંચી શકીશ પરંતુ પોલીસની મદદથી આ શક્ય બન્યું.’

તો આ તરફ એડીસીપી રણવિજયનું કહેવું છે કે તેમણે માત્ર પોતાની ફરજ નિભાવી છે. રણવિજયે કહ્યું, “લોકો સમજે છે કે પોલીસવાળા કઠોર હૃદયના હોય છે. પરંતુ અમે જેટલા કડક હોઈએ છીએ માનવીય જરૂરિયાતોને પણ તેટલી જ સમજીએ છીએ. અમે કોઈની પીડા જોઈ નથી શકતા. જ્યારે એક મહિલા મા બનવાની હોય ત્યારે તેને તેના પતિની સૌથી વધુ જરૂર હોય છે. મેં તેમને (તમન્ના)ને કહ્યું હતું કે, અનીસને ત્યાં પહોંચાડવાની પૂરતી કોશિશ કરીશ. મેં માત્ર મારી ફરજ બજાવી છે.”