હાથમાં 3 મહિનાની બાળકી સાથે હજાર કીમીની પગપાળા યાત્રા : દિલ્હી-એનસીઆરના મજૂરોની કરુણ કથની

દેશમાં જેવી 21 દિવસના લોકડાઉનની જાહેરાત થઇ કે તરત જ હજારો ઉદ્યોગ પ્રતિષ્ઠાનો દ્વારા પોતપોતાના કર્મચારીઓને ઘરે રવાના થવા કહી દેવાયું, આવો જ આદેશ ગુરૂગ્રામમાં નોકરી કરતાં રાજકુમારને મળ્યો, તો તેના હોશ ઉડી ગયા, કારણ તેનું ઘર હતું ત્યાંથી હજાર કિમી દૂર બિહારના છપરામાં અનેં ખિસ્સામાં માત્ર 1 હજાર રૂપિયા, બીજી સેલેરી ક્યારે આવે તેની કોઇ ખબર નહીં, તો આ સ્થિતિમાં તે ગુરૂગ્રામમાં રહી શકે તેમ પણ નહોતો. જો કે મુશ્કેલી એ હતી કે ઘરે પરત ફરવા માટે કોઇ સાધન નહોતું.

રાજકુમારે બુધવારે સવારે પોતાની પત્ની, 3 મહિનાની પુત્રી અને 58 વર્ષિય માતાની સાથે પગપાળા ગામ જવાનો નિર્ણય કર્યો અને તે બહાર નીકળ્યો તો તેના જેવા હજારો લોકો રસ્તા પર ચાલતા મળ્યા. તેમને એવી આશા હતી કે ઘરે પહોંચવાનો કોઇને કોઇ રસ્તો નીકળી આવશે. આ લોકો સાંજ સુધીમાં તો યુપી પહોંચી ગયા. એક દિવસમાં 50 કિમીનું અતર કાપીને યુપી પહોંચેલા આ લોકોને કેટલાક સ્થાનિક લોકોએ ખાવાના કેટલાક પેકેટ આપ્યા. પગપાળા જનારાનું ટોળુ વધતુ જ ગયું અને તેમના મનમાં એવી આશા હતી કે ક્યાંક કોઇ ગાડી મળી જાય.

દિલ્હી એનસીઆરમાંથી આ રીતે પગપાળા ચાલનારાઓના ઘણાં ટોળા રસ્તાઓ પર છે, જે લોકો પોતાના ગામે પરત ફરી રહ્યા છે તેમાંથી મોટાભાગના ફેક્ટરીમાં કામ કરનારા મજૂરો અને રોજમદારો છે. ફેક્ટરીઓ અને કામધંધા બંધ થઇ જવાને કારણે આ લોકો અચાનક બેકાર બન્યા છે. તેમના આ પ્રકારના પલાયનવાદથી સરકાર પણ ચિંતામાં છે, કારણકે તેનાથી લોકડાઉનનો જે ઉદ્દેશ છે તે જ જોખમાયો છે. બુધવારે સાંજ સુધી રાજકુમાર ગાઝિયાબાદ પહોંચી ગયો હતો અને તેણે એક જ વાક્યમાં વ્યથા રજૂ કરી હતી કે હું મારા ભાડાંના ઘરનું ભાડુ ચુકવી શકું તેમ ન હોવાથી મારી પાસે વતન જવા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો. હવે માલિક ફોન કરશે ત્યારે જ પરત ફરીશ.

તેના જેવી જ કથા અજમેરના ઓમપ્રકાશ કુશવાહાની છે. તેના હાથમાં તેની 7 મહિનાની પુત્રી છે. જો રસ્તામાં કોઇ વાહનની સુવિધા નહીં મળે તો આ રીતે જ અઠવાડિયા સુધી તેણે પગપાળા ચાલવું પડશે. દિલ્હી-જયપુર હાઇવે પર આવા લોકોના ટોળા પોતપોતાના ઘર તરફ જતા જોવા મળ્યા હતા. આ બધાની પાસે પોતાના સામાનનો ભાર, નાના બાળકો હતા. મોટાભાગનાની ફરિયાદ એક જ છે કે લોકડાઉન પહેલા અમને કેમ જણાવી ન દેવાયું. જો અમને પહેલાથી કહેવાયું હોત તો અમારે આ રીતે પગપાળા ચાલવાનો વારો ન આવ્યો હોત. નોઇડા પોલીસના ડીસીપી રાજેશ કુમાર સિંહે કહ્યું હતું કે અમે તેમને રોકી ન શકીએ, અમે પણ લાચાર છીએ, કારણ લોકડાઉનના કારણે રસ્તા પર કોમર્શિયલ વ્હીકલ ચલાવી ન શકીએ. યુપીની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આવીા પગપાળા ચાલતા લોકો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવા માટે પોલીસને સૂચના આપી છે. સાથે જ હરિયાણાના મુખ્યમંત્રીને પણ આ મામલે અપીલ કરી છે.