ઇન્ડિયન રેલવેએ શરૂ કરી પેસેન્જર ટ્રેનના કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવવાની તૈયારી

વિશ્વભરમાં પોતાનો પ્રકોપ ફેલાવનારા કોરોના સામે લડવા માટે સરકારની મદદમાં હવે રેલવે મેદાનમાં આવ્યું છે. હાલ દેશમાં પેસેન્જર ટ્રેનો બંધ કરી દેવાઈ છે, ત્યારે આ ટ્રેનના કોચને આઈસોલેશન વોર્ડમાં ફેરવવાની તૈયારી રલેવે દ્વારા શરુ કરી દેવામાં આવી છે. નોર્થ સેન્ટ્રલ રેલવે (NCR)ના જનરલ મેનેજર રાજીવ ચૌધરીના જણાવ્યા અનુસાર, ડોક્ટરો સાથે મસલત કર્યા બાદ રેલવે નવી દિલ્હીના કોચિંગ ડેપોને આઈસોલેશન વોર્ડમાં તબદિલ કરવા પ્રયાસ કરી રહી છે.

ચૌધરીએ જણાવ્યું હતું કે, ટ્રેનના સ્લીપર કોચમાં થોડા સુધારા-વધારા કરીને તેને કોવિડ-19ના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ પગલાંથી આપણે ગમે તેવી ઈમરજન્સીને પહોંચી શકીશું. આ સિવાય, દરેક રેલવે ડિવિઝને વોર્ડ અથવા બિલ્ડિંગને આઈડેન્ટિફાય કર્યા છે કે જ્યાં કોરોના વાયરસના ભોગ બનેલા દર્દીઓ માટે આઈસોલેશન બેડ ઉભા કરી શકાય તેમ છે.

કોરોનાને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં ઈતિહાસમાં પહેલીવાર તમામ પેસેન્જર ટ્રેનોની અવરજવર પણ 21 દિવસ માટે અટકાવી દેવામાં આવી છે. ભારતીય રેલવે હોસ્પિટલો તેમજ મકાન સહિતનું વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જરુર પડે તો સામાન પણ ખૂબ જ ઝડપથી પહોંચાડી શકે છે. IRCTC કેટરિંગથી લઈને બીજી ઘણી સુવિધાઓ પૂરી પાડી શકવા સક્ષમ છે, ત્યારે કોરોના સામે લડવામાં સરકાર હવે રેલવેની મદદ લેવા પણ વિચારી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 15,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. દર્દીઓની ટ્રીટમેન્ટ માટે વેન્ટિલેટર્સ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત, અનેક શહેરોમાં ખાસ હોસ્પિટલો પણ ઉભી કરાઈ રહી છે. ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત તેમજ રાજકોટમાં કોરોનાના પેશન્ટ્સ માટે ખાસ સલવતો ઉભી કરાઈ છે.