કોરોનાનો પ્રકોપ ચીન કરતાંયે અમેરિકામાં વધ્યોઃ 85 હજારથી પણ વધુ કેસ

કોરોના વાયરસને વિશ્વના 195 દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના અત્યાર સુધીમાં વિશ્વભરમાં 5 લાખ 32 હજાર 200 કેસ નોંધાઈ ચૂક્યાછે. 24 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. એક લાખ 24 હજાર 300 લોકો સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

ચોંકાવનારી વાત એ છે કે ચીનથી શરૃ થયેલા આ વાઈરસથી વધુ ખૂવારી બીજા દેશોમાં જોવા મળી રહી છે. કુલ પોઝિટિવ કેસોની સંખ્યામાં ચીન કરતા અમેરિકા આગળ નીકળી ગયું છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 85,594 નોંધાયા છે, જ્યારે ચીનમાં 81,3400 નોંધાયા છે. ચીન કરતા ઈટાલી અને સ્પેનમાં વધારે મૃત્યુઆંક નોંધાયો છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 8215 લોકોના મોત થયા છે. સ્પેનમાં 4365 લોકોના અને ચીનમાં 3292 લોકોના મોત થયા છે.

ચીનમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસમાં 54 કેસ વિદેશથી લવાયેલા અને એક કેસ લોકલ ટ્રાન્સમિશનનો નોંધાયો છે. પાંચ લોકોના મોત પણ થયા છે. વુહાનમાં એક પણ કેસ નોંધાયો નથી. ચીનમાં પોઝિટિવ કેસ 81,340 નોંધાયા છે. જેમાં 3292 લોકો મોતને ભેટ્યા છે. ચીનમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા માત્ર 3460 છે. બાકીના તમામ દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

સ્વિત્ઝરલેન્ડમાં કોરોનાના 949 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ પોઝિટિવ કેસની સંખ્યા 11,811 પહોંચી ગઈ છે. દેશમાં મૃત્યુઆંક 192 થયો છે. સ્વિત્ઝરલેન્ડ સરકારે કોરોના વાયરસની અસરના પગલે 43.6 બિલિયન ડોલરના આર્થિક પેકેજની પણ જાહેરાત કરી છે.