બ્રહ્માકુમારી સંસ્થાના વડા રાજયોગીની દાદી જાનકીનું નિધન : માઉન્ટ આબુમાં બપોરે 3.30 વાગ્યે અંતિમસંસ્કાર

બ્રહ્માકુમારી સંસ્થાના પ્રમુખ રાજયોગિની દાદી જાનકીનું 104 વર્ષની વયે નિધન થયું છે. માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં આજે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી દેશ-વિદેશમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના અનુયાયીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બ્રહ્માકુમારી સંસ્થાના શાંતિવનમાં આજે બપોરે 3.30 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને તેમને શોકાંજલી આપી હતી.

દાદી જાનકીનો જન્મ વર્ષ 1916માં હૈદરાબાદના સિંધ જિલ્લામાં થયો હતો. તમને જણાવી દઈએ કે તેઓ માત્ર ધોરણ 4 સુધી ભણેલા હતા. દાદી જાનકીએ 16 વર્ષની ઉંમરમાં પોતાનું જીવન સમાજસેવા માટે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો હતો. દાદી જાનકીએ 1970ના દાયકામાં લંડનથી શરૂ કરીને 140 દેશોમાં આધ્યત્મિકતાનો સંદેશો આપ્યો હતો. 104 વર્ષની ઉંમરમાં પણ દાદી જાનકી 140 દેશોમાં ફેલાયેલી આંતરાષ્ટ્રીય આધ્યાત્મિક સંસ્થાનું સંચાલન કરતા હતા. તેમના જ ટિ્વટર હેન્ડલ પરથી ટિ્વટ કરીને તેમના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા.

દાદી જાનકીએ 46 હજાર બહેનોની એવી સેના તૈયાર કરી છે, જે લોકોમાં અધ્યાત્મિકતા દ્વારા જ્ઞાન, રાજયોગ અને સાધનાથી મુલ્યનિષ્ઠા સ્થાપિત કરે છે. દાદી જાનકી સ્વચ્છતા બાબતે હમેશાથી એક્ટિવ રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. ચાર ધોરણ પાસે દાદી જાનકીએ ઈશ્વરીય સેવાઓ માટે પશ્ચિમી દેશોને સૌથી વધુ પસંદ કર્યા હતા.