મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ વધવા સાથે એક રાહતના સમાચાર : પૂણેમાં 10 દર્દી સાજા થઇને ડિસ્ચાર્જ

દેશમાં મહારાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં એક તરફ કોરોના વાયરસના વધતા કેસ ચિંતાનું કારણ બની રહ્યા છે. ત્યારે પૂણેમાં સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા રાહતના સમાચાર લઈને આવી છે. માત્ર પૂણેમાં જ અત્યાર સુધીમાં કોરોનાના 10 દર્દીઓ સાજા થયા છે. પૂણેના કોર્પોરેશનના આરોગ્ય વિભાગના મુખ્ય ડૉક્ટર રાજેન્દ્ર હુંકારેએ જણાવ્યું, “નાયડૂ હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોના વાયરસના વધુ બે દર્દીઓનું રિપિટ સેમ્પલ નેગેટિવ આવ્યું છે. બંનેને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.” આ સાથે જ પૂણે જિલ્લામાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32 થઈ છે. જેમાંથી 10 સાજા થઈને ઘરે ગયા છે.

ભારતમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી છે. જો કે, પૂણેમાં કેટલાક લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા અને 10 દર્દીઓ ડિસ્ચાર્જ થતાં આ રાહતની ખબર પણ છે. મહારાષ્ટ્ર સરકારે તમામ મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાનોને 24 કલાક ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે. સાથે જ શિવસેનાના તમામ સાંસદો, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર દાન કરવાનો નિર્ણય કર્યો છે.

અગાઉ પૂણેના પિંપરી ચિંચવાડ નિગમના કમિશનર શ્રવણ હાર્દિકરે જણાવ્યું હતું કે, 3 દર્દીઓના રિપિટ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. આજે ત્રણેયને ડિસ્ચાર્જ કરી દેવાશે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે વધુ બે મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસની ચપેટમાં આવીને મોતને ભેટલા લોકોની સંખ્યા 5 થઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 127 દર્દીઓ છે.