આખું વિશ્વ લોકડાઉન પણ ચીનના વુહાનમાં બસો દોડતી થઈ, હુબઈમાં રેલ સેવા બહાલ

જ્યાંથી કોરોના વાયરસનો ઉદ્દભવ થયો હતો તેવાં ચીનનના વુહાન પ્રાંતમાં રસ્તા પર બસોને દોડતી કરી દેવામાં આવી છે. અંદાજે બે મહિના લોકડાઉન બાદ વુહાનમાં રોડ સેવા શરૂ કરવામાં આવતા હવે ધીમ ધીમે જનજીવન રાબેતા મુજબ ધબકતું થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત હુબઈમાં રેલ સેવાને બહાલ કરવામાં આવી છે. લોકો કામ પર પરત ફર્યા છે અને ભારે ઉચાટ અને ભયાવહ દિવસોને યાદ કરી રહ્યા છે.

લોકો ઘરમાંથી નીકળીને રોડ, માર્કેટો, મોલ્સ, હોસ્પિટલ વગેરે જગ્યાઓ પર જઈ રહ્યા છે. જન જીવન પાટે ચઢી રહ્યું છે. વાહન વ્યવહાર પરના પ્રતિબંધો દુર કરી દેવામાં આવ્યા છે અને લોકો બસ તથા રેલમાં બેસીને સગા-સંબંધીઓની ભાળ લઈ રહ્યા છે.

કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં બે મહિનાનાં અંતરાલ બાદ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે ચીનમાં 47 કેસ નોંધાયા હતા. વુહાનમાં શુક્રવારે લોકડાઉન સમાપ્ત કરવામાં આવશે. ચીનની સરકાર હવે એવા કેસો તરફ ધ્યાન આપી રહી છે કે જે લોકો અન્ય દેશમાંથી ચીન પહોંચી રહ્યા છે. હવે ચીનમાં સ્થાનિક સ્તરે કોરોના કેસ નોંધાઈ રહ્યા નથી.