WHOએ કહ્યું” માત્ર લોકડાઉનથી અટકશે નહીં કોરોના, ચીન,સિંગાપુર મોડલ અપનાવો”

વિશ્વના દરેક દેશ પર કોરોના વાયરસનો કાળમૂખો પંજો ફરી વળ્યો છે. ભારતમાં કોરોના હાલમાં બીજા તબક્કે ચાલી રહ્યું છે, અને ત્રીજા તબક્કાને ટાળવા માટે ભારતે 21 દિવસના લોકડાઉન જેવો કડક નિર્ણય લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પણ ભારતના આ નિર્ણયની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ભારતે જલ્દીથી દેશમાં લોકડાઉન કર્યું છે જે એક પ્રશંસનીય પગલું છે. જો કે, આ સાથે કેટલાક અન્ય નિર્ણયો લેવાના રહેશે, કારણ કે ફક્ત લોકડાઉન કોરોનાનાં જોખમને અટકાવી શકશે નહીં.

WHOના અધ્યક્ષ ડો.ટ્રેડોસ માઈકલ રેયાન, ડો.મરીયા વૈન ભારત સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરી હતી. જ્યારે તેમને લોકડાઉન અને ભારતના ત્રીજા તબક્કા પર પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે લોકડાઉનથી કોરોનાના ખતરાને રોકી શકાય નહીં.

WHOનાં અધ્યક્ષ ડો.ટ્રેડોઝે કહ્યું હતું કે, “ભારત કોરોનાને હરાવી શકવાની ક્ષમતા ધરાવે છે અને તે સારી વાત છે કે ભારતે વહેલમાં વહેલી તકે લોકડાઉન કરવાનું નક્કી કર્યું છે. ત્રીજા તબક્કા અંગે તેમણે કહ્યું કે જે દેશોમાં યોગ્ય સમયે સખત નિર્ણયો લેવામાં આવતા નથી અને સાવચેતી રાખવામાં આવતી નથી ત્યાં આની ખરાબ અસર પડે છે, આવી સ્થિતિમાં દરેકને યોગ્ય સમયે પગલાં લેવાને પડકાર છે.

WHO ના ડો.રેયાને કહ્યું કે લોકડાઉન એક સારું પગલું છે, પરંતુ હવે ભારતે આ મામલે હવે પછી કેસોની તપાસ કરવી પડશે. જે પણ પીડિતોના સંપર્કમાં આવ્યા છે, તેમને નિરીક્ષણ હેઠળ રાખવાં પડશે, જો આ બધું થાય છે, તો કોરોનાને વધતો અટકાવી શકાય છે. તેમણે ફરી એકવાર કહ્યું હતું કે ભારતે દુનિયાને પોલિયોથી મુકત કરી દીધી છે, આવી સ્થિતિમાં ભારત કોરોના પર પણ કમાલ કરી શકે છે.

લોકડાઉન અંગે ડો. મારિયા વૈનએ કહ્યું કે એવું નથી કે તમે એક સમય માટે લોકડાઉન લગાવીને તેનાથી છૂટકારો મેળવી શકો, તમારે તમારી યોજનાને હવે પછીના સમયમાં બદલવી પડશે. અને જ્યાં વધુ કેસો છે ત્યાં કાળજી લેવી પડશે. આવી સ્થિતિમાં ચીન અને સિંગાપોરના મોડેલને અપનાવી શકાય છે, કારણ કે વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે.

મહત્વની વાત એ છે કે વિશ્વભરના નિષ્ણાતો માને છે કે સોશયિલ ડિસ્ટન્સના નિર્ણયથી જ કોરોના વાયરસના ખતરાનો સામનો કરી શકાય છે, ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની જાહેરાત કરી હતી.