કોરોનાને કારણે સુસ્ત ઇકોનોમીને નિર્મલા સિતારમણનુ 1.70 લાખ કરોડના પેકેજનું બૂસ્ટર

આખા વિશ્વમાં કોરોનાવાયરસને કારણે ઇકોનોમીની હાલત સાવ તળીયે છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. ત્યારે દેશને આ વાયરસના ફેલાવાથી બચાવવા માટે દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે, ઠેરઠેર નાકાબંધી કરી દેવાઇ છે, ઉદ્યોગ ધંધા ઠપ છે ત્યારે ઇકોનોમીને ઓક્સીજન આપવા માટે નાણામંત્રી નિર્મલા સિતારમણે ગુરૂવારે 1.70 લાખ કરોડનું પેકેજનું બૂસ્ટર આપ્યું છે.

નિર્મલા સિતારમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનનો નિર્ણય લીધો પછી અમે નથી ઇચ્છતા કે કોઇ ભુખ્યું રહે કે આર્થિક તંગીમાં રહે. સરકાર ગરીબો સુધી પૈસા પહોંચાડશે. સરકાર તેના માટે 1.70 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરે છે. હાલની સ્થિતિમાં ગરીબો અને મજૂરો માટે રાહત જરૂરી છે. અમે વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ લઇને આવ્યા છીએ. સંકટના આ સમયે ગરીબો પર વધુ અસર પડી છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે કોરોના સામેના જંગમાં જોતરાયેલા આરોગ્ય કર્મચારીઓને 50 લાખ રૂપિયાનું વિમા કવચ આપવામાં આવશે.

નાણાપ્રધાને કહ્યું હતું કે પીએમ ગરીબ અન્ન યોજના હેઠળ 80 કરોડ ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે કે જેથી કોઇ ગરીબ ભુખ્યો ન રહે. તેના માટે 5 કિલો ઘઉં કે ચોખા 3 મહિના સુધૂ મળશે. 80 કરોડ લાભાર્થીને તેનાથી ફાયદો થશે. પીડીએસ દ્વારા મળતા લાભ સિવાયનો આ લાભ હશે. એક કિલો દાળ પણ અપાશે અને તે વિના મુલ્યે આપવામાં આવશે. તેમણે સાથે જ કહ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે, એપ્રિલના પહેલા અઠવાડિયામાં રૂ. 2000નો હપતો ખાતામાં નાંખી દેવાશે. 8 કરોડથી વધુ ખેડૂતોને તેનો લાભ મળશે. મજૂરો માટે મનરેગા હેઠળની મજૂરી 182 રૂપિયાથી વધારીને 202 રૂપિયા કરી દેવાઇ છે.

નિર્મલા સિતારમણની પ્રેસ કોન્ફરન્સમાં કરાયેલી જાહેરાતની હાઇલાઇટ્સ

  • જે લોકો કોરોના સામેની જંગ લડી રહ્યા છે, તે આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહેલા લોકોને 50 લાખનો જીવન વીમો અપાશે
  • નાણાપ્રધાન સીતારમણે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1,70,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરાઇ
  • સંગઠીત ક્ષેત્ર માટે આગામી ત્રણ મહિના સુધી 12 + 12 ટકા ઇપીએફમાં સરકાર ફાળો આપશે. જો કે એ તેમાં જ લાગુ પડશે જયાં 100થી ઓછા કર્મચારી હોય અને 90 ટકા કર્મચારી 15 હજારથી ઓછો પગાલ મેળવતા હોય
  • ઉજજવલા યોજના હેઠળ 8 કરોડ મહિલા લાભાર્થીઓને 3 મહિના સુધી વિનામુલ્યે સિલિન્ડર અપાશે.
    મહિલા જનધન ખાતાધારકોને 500 રૂપિયા મહિનાના હિસાબે આગામી ત્રણ મહિના સુધી આપવામાં આવશે. તેનાથી 20 કરોડ મહિલાને લાભ મળશે.
  • બિલ્ડીંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કર ફંડમાંથી 3.5 રજિસ્ટર્ડ મજૂરને લાભ અપાશે. રાજ્ય સરકારોને નિર્દેશ કરાયો છે કે પેદા થયેલા આર્થક અવરોધમાં 31 હજાર કરોડના ફંડનો સદુપયોગ કરવામાં આવે.