કોરોનાનો વૈશ્વિક પ્રકોપ : 21 હજારના મોત, 3 અબજ લોકો લોકડાઉન

ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ  દુનિયાના 198 દેશોમાં  ફેલાયો છે  અને આ જીવલેણ વાયરસ અત્યાર સુધીમાં 21 હજાર લોકોના જીવ લઈ ચૂક્યો છે. 4,68,905 લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોના સામે જંગ માટે ભારત સહિત આખા વિશ્વમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લગભગ 3 અબજની વસ્તી લોકડાઉનની સ્થિતિમાં જીવી રહી છે.

કોરોનાની મહામારીનો આ આંકડો સમુદ્રના પાણીમાં એક ટીંપા સમાન માનવામાં આવી રહ્યો છે. કારણકે આ વાયરસના સંક્રમણનો સાચો આંકડો ઘણા દેશોમાં ખૂબ વધારે છે. ઘણા દેશોમાં તો અત્યાર સુધી માત્ર એવા જ દર્દીઓની તપાસ થતી હતી જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય. 24 કલાકમાં જે દેશોમાં સૌથી વધુ મોત થયા તેમાં સ્પેન સૌથી ઉપર છે. સ્પેનમાં કોરાના વાયરસના લીધે 24 કલાકમાં 738, ઈટાલીમાં 683 અને ફ્રાંસમાં 231 લોકોના મોત થયા છે.

ઈટાલીમાં કાળો કહેર વર્તાવ્યા બાદ હવે કોરોનાના નિશાને સ્પેન છે. અહીં મોતનો આંકડો ચીનથી પણ આગળ નીકળી ગયો છે. સ્પેનમાં અત્યાર સુધીમાં 3,647 લોકોના મોત થયા છે. જ્યારે ચીનમાં 3,287 લોકો મોતને ભેટ્યા છે. કોરોનાના કારણે ઈટાલીમાં હાલત સૌથી વધુ ખરાબ છે. અહીં અત્યાર સુધીમાં આ વાયરસે 7,503 લોકોનો ભોગ લીધો છે. ઈટાલીમાં કોરોના વાયરસથી 74,386 લોકો સંક્રમિત છે.

મોતના આંકડા પર નજર કરીએ તો ઈટાલી બાદ સ્પેન સૌથી વધુ પ્રભાવિત છે. અહીં કોરોના વાયરસના 49,515 કેસ સામે આવ્યા છે. સ્પેન પછી ચીન અને ઈરાનનો નંબર આવે છે. ઈરાનમાં 2,077 લોકોના મોત થયા છે જ્યારે 27,107 લોકો સંક્રમિત થયા છે. આ મામલે ફ્રાંસ પાંચમા ક્રમે પહોંચ્યું છે. ફ્રાંસમાં અત્યાર સુધીમાં 25,233 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હવે બ્રિટન પણ કોરોનાની ચપેટમાં આવતું દેખાઈ રહ્યું છે. અહીં 9,529 લોકોને કોરાના વાયરસનો ચેપ લાગ્યો છે. બ્રિટનમાં અત્યાર સુધી કોરોના 465 લોકોને ભરખી ગયો છે. એટલું જ નહીં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોના વાયરસ હવે આફ્રિકામાં પણ પગ પેસારો કરી રહ્યો છે. નાઈઝર, કેમરુન, ઈસ્ટોનિયા, જમૈકામાં કોરોનાથી પહેલું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. લાઓસ, માલી, લીબિયા, ગ્રેનાડા અને ડોમિનિકા અત્યાર સુધી કોરોનાના ઓછાયા હેઠળ આવ્યા નહોતા. પરંતુ હવે અહીં પણ પોઝિટિવ કેસ મળ્યા છે. એક અનુમાન મુજબ, યુરોપમાં કોરોના સંક્રમણના 2,40,000થી વધુ કેસ સામે આવ્યા છે અને 13,824 લોકોના મોત થયા છે.

એશિયા ખંડમાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને 3600થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકા અને કેનેડમાં કોરોના સંક્રમણના 62 હજાર કેસ સામે આવ્યા છે અને 854 લોકોના મોત થયા છે. પશ્ચિમ એશિયામાં 32 હજાર લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને બે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આફ્રિકામાં અત્યાર સુધી 69 લોકો કોરોનાનો કોળિયો બન્યા છે અને 2,631 લોકો સંક્રમિત થયા છે.

ભારતમાં અત્યાર સુધીમાં 26 રાજ્યોમાં કોરોનાના 609 દર્દીઓ છે. જેમાંથી 43 વિદેશી છે. 43 દર્દીઓ સાજા થયા છે જ્યારે 10ના મોત થયા છે. કોરોનાને હરાવવા માટે પીએમ મોદીએ આખા દેશમાં ત્રણ અઠવાડિયાનું લોકડાઉન જાહેર કર્યું છે. ભારત સરકાર દ્વારા લોકડાઉન પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવાઈ રહી છે. ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. અહીં કોરોનાના 125 દર્દીઓ છે જ્યારે કેરળમાં 101 દર્દીઓ છે. તો ગુજરાતમાં કોરોનાના 43 દર્દીઓ છે.