કોરોનાથી દેશમાં 16 દિવસમાં 16 મોત, ગુજરાતમાં ત્રણ મૃત્યુ

ગુજરાત સહિત દેશમાં વિનાશક કોરોના વાયરસનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં આજે સવાર સુધીમાં ત્રણ મૃત્યુ નોંધાયા છે, જ્યારે 43 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દેશમાં 16 દિવસમાં 16 મૃત્યુ નોંધાયા છે.

ગુજરાત સહિત દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ રપ રાજ્યો સુધી પહોંચી ગયું છે. સંક્રમિતોનો આંકડો 650 ને વટાવી ગયો છે. 16 દિવસમાં 16 પોઝિટિવ દર્દીના મોત થયા છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 65 વર્ષીય દર્દીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે મુંબઈમાં પણ65 વર્ષીય મહિલાનું મોત થયું છે. બુધવારે તમિલનાડુ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કુલ ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતાં.

કોરોના પોઝિટિવ વધુ 65 વર્ષિય મુંબઈની મહિલાએ જીવ ગુમાવ્યો છે, જો કે તેમનું મૃત્યે કેમ થયું તે અંગેનું કારણ હજી જાણવાનું બાકી છે. આ અંગેની માહિતી મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે આપી છે. ગોવામાં બુધવારે કોવિડ-19 થી સંક્રમિત વધુ ત્રણ દર્દીઓ મળ્યા છે. આ ત્રણે હાલ વિદેશમાંથી ભારત પરત ફર્યા છે. તેમાંથી એક રપ વર્ષનો વ્યક્તિ સ્પેનમાંથી જ્યારે 29 વર્ષનો શખ્સ ઓસ્ટ્રેલિયામાંથી પરત આવ્યો હતો. આ સિવાય પપ વર્ષનો ત્રીજો સક્રમિત અમેરિકાની મુસાફરી પછી દેશમાં આવ્યો હતો.

તમિલનાડુમાં કોવિડ-19 ના ત્રણ નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેમાં 18 વર્ષના યુવક, 63 અને 66 વર્ષના બે સિનિયર સિટીઝન્સનો સમાવેશ થાય છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે 18 વર્ષના યુવકને રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયો છે, જ્યારે એક દર્દી થાઈલેન્ડના નાગરિકના સંપર્કમાં આવવાના કારણે પોઝિટિવ છે. આ વાઈરસથી સંક્રમિત 63 વર્ષના સિનિયર સિટીઝન્સ તાજેતરમાં જ દુબઈથી પરત આવ્યા હતાં. તેનેે વલાજાહ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.