સરકાર ધ્યાન આપે: હાર્ટ અટેકની મહિલા દર્દી કણસતી રહી પણ ત્રણ હોસ્પિટલોએ ટ્રીટમેન્ટનો ઈન્કાર કર્યો

કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે પણ સાથો સાથ અન્ય રોગના દર્દીઓ માટે જીવન અને મરણનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. સુરતના હોડી બંગલા વિસ્તારની મુસ્લિમ મહિલાને હાર્ટ અટેક આવ્યો અને તેના પતિ અને વાલી-વારસો સુરતની ત્રણ હોસ્પિટલમાં મહિલાને લઈને ભટક્તા રહ્યા પણ ત્રણેય હોસ્પિટલોએ મહિલા દર્દીની સારવાર તો શું જોવા સુદ્વાંની તસ્દી લીધી ન હતી. છેવટે મહિલાને સુરતની બહાર 18 કિમી દુર કડોદરા ખાતે આવેલી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. હાલ આ મહિલા કડોદરાની હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે.

પરમ દિવસે મહિલાને છાતીમા દુખાવાની ફરીયાદ થઈ હતી. આ ફરીયાદના કારણે મહિલાને સુરતની ત્રણ જેટલી મોટી અને નામાંકિત હોસ્પિટલોમાં સારવાર મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ એક હોસ્પિટલે એવું કહ્યું કે પાંચ દિવસ સુધી હોસ્પિટલ બંધ છે અને સારવાર કરવામાં આવશે નહીં. બીજી હોસ્પિટલમાં સ્પષ્ટ રીતે એડમીટ કરવાનો ઈન્કાર કરાયો તો ત્રીજી સરકારી હોસ્પિટલે આઈસીયુ ખાલી ન હોવાનું જણાવ્યું.

કોરોનાની મહામારીને લઈ હોસ્પિટલોને અલાયદી કરી દેવામાં આવી છે એ સારી વાત છે તો સાથો સાથ અન્ય ગંભીર રોગોના દર્દીઓ માટે સરકારે ધ્યાન આપી તેમને પણ તાત્કાલિક સારવાર મળી રહે તેવું પ્રબંધ કરવાનું રહે છે. આવી સ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે તો કફોડી સ્થિતિ સર્જાઈ રહી છે. કોરોના સામે સરકારની કામગીરીના વખાણ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલોમાં કોરોનાનાં દર્દી પ્રાથમિક રહ્યા છે અને ચેપને અટકાવવા માટે હોસ્પિટલોને કોરોના માટે ફાળવી દેવામાં આવી છે ત્યારે અન્ય રોગના દર્દીઓને પણ ઈમરજન્સી સારવાર મળી રહે તેના તરફ સરકારે ધ્યાન આપાવનું રહે છે.