ગુજરાતમાં સંભવિત કોરોનાગ્રસ્ત વિસ્તારમાં 1.07 કરોડ નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ જયંતિ રવિએ જણાવ્યું છે કે કોરોના વાયરસને આગળ વધતો તેમજ તેનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારે સર્વેલન્સ  અને ટ્રેકિંગને  વધુ સઘન બનાવ્યું  છે. આજ સુધીમાં રાજ્યમાં 1,07,62,012 નાગરિકોનું સર્વેલન્સ-ટ્રેકિંગ પૂર્ણ કરાયું છે.

આજે સવારે કોરોના વાયરસ સંદર્ભે રાજ્ય સરકારે કરેલ કામગીરીની વિગતો મીડિયાને આપતા ડૉ. રવિએ ઉમેર્યું કે આજે રાજ્યમાં વધુ ત્રણ નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કુલ 38 પોઝિટિવ કેસ નોંધાયા છે આજે જે ત્રણ કેસ નોંધાયા છે તેમાં એક અમદાવાદમાં જે દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને એક- એક વડોદરા અને સુરતમાં છે જે સ્થાનિક ટ્રાન્સમિશનના કારણે નોંધાયો છે. આજદિન સુધી અમદાવાદમાં 140, સુરતમાં 7, રાજકોટમાં 3, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6 અને કચ્છમાં એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે.

તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવાઈ છે. સર્વેલન્સ દરમિયાન 50 વ્યક્તિઓમાં રોગની અસર જણાતા વધુ તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં 20,688 નાગરિકો 14 દિવસના કોરેન્ટાઈન હેઠળ છે જેમાં 430 વ્યક્તિઓ સરકારી હોસ્પિટલમાં, 20,220 હોમ કોરેન્ટાઈન અને 38 ખાનગી કોરેન્ટાઈન હેઠળ છે. જે લોકોએ કોરેન્ટાઈનનો ભંગ કર્યો છે તેવા 147 વ્યક્તિઓ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. રાજ્યમાં 104 હેલ્પલાઇન પણ કાર્યરત છે જેમાં અત્યાર સુધીમાં 15 હજારથી વધુ કોલ આવ્યા છે. જેમને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે જે પૈકી 258 વ્યક્તિઓને  સારવાર પુરી પડાઇ છે.

ડૉ. રવિએ ઉમેર્યું હતું કે રાજ્યના ચૈર મહાનગરોમાં કોરોના વાયરસ વાળા દર્દીઓની સારવાર માટે ખાસ હોસ્પિટલ કાર્યરત કરાઇ છે જેમાં અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ, વડોદરા અને રાજકોટમાં 250-250 બેડની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે રાજ્યમાં 1583 આઇસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં અને 635 બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. અને વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ છે. ગંભીર દર્દીઓને સારવાર માટે તમામ વિભાગોમાં થઈને સરકારી હોસ્પિટલ ખાતે 609 વેન્ટિલેટર અને ખાનગી સંસ્થાઓમાં અંદાજે 1500 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

તેમણે ઉમેર્યું કે રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર તથા જામનગર ખાતેની મેડિકલ કોલેજોમાં કોવિદ-૧૯ અંતર્ગત લેબોરેટરી ટેસ્ટ માટે ટેસ્ટીંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોરોના વાયરસ રોગનો ફેલાવો અટકે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યંત અનિવાર્ય છે ત્યારે નાગરિકો પણ તેની ખાસ તકેદારી રાખે એ માટે રાજ્ય સરકાર દ્વારા અપીલ પણ કરાઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું.