“કોરોના સામે આખો દેશ યુદ્ધ લડી રહ્યો છે તેમાં 21 દિવસ લાગશે”: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીના રહેવાસીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું- મા શૈલપુત્રીને પ્રાર્થના છે કે કોરોના વિરુદ્ધ જે યુદ્ધ દેશમાં છેડાયું છે તેમાં હિન્દુસ્તાન અને દેશના 130 કરોડ દેશવાસીઓને વિજય મળે. કાશીનો સાંસદ હોવાના લીધે મને તમારી વચ્ચે હોવું જોઇતું હતું. પરંતુ દિલ્હીમાં જે પરિસ્થિતિઓ છે તેનાથી તમે અવગત છો.

વડાપ્રધાને કહ્યું કે હું વારાણસી વિશે લગાતાર અપડેટ લઇ રહ્યો છું. મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતવામાં આવ્યું હતું. આજે કોરોના સામે આખો દેશ યુદ્ધ લડી રહ્યો છે તેમાં 21 દિવસ લાગશે.

વડાપ્રધાને કહ્યું કે આજે 130 કરોડ મહારથીઓ સાથે મને આ યુદ્ધ જીતવું છે. સંકટના આ ક્ષણમાં કાશી સૌનું માર્ગદર્શન કરી શકે ચે. કાશીનો અનુભવ શાસ્વત અને સનાતન છે. આજે લોકડાઉનની પરિસ્થિતિમાં કાશી દેશને સંયમ, સમન્વય અને સંવેદનશીલતા શીખવી શકે છે. સાધના, સેવા અને સમાધાન શીખવી શકે છે.

તેમણે કહ્યું કે કાશી મતલબ શિવ. શિવ એટલે કલ્યાણ. મહાદેવની નગરીમાં સંકટથી લડવાનું અને સૌને રસ્તો દેખાડવાનું સાહસ નહીં હોય તો કોનામાં હશે. કોરોના માટે દેશભરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ આપણને સૌને ધ્ચાન રાખવાનું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, ઘરોમાં બંધ રહેવું તે જ આ સમયે એકમાત્ર ઉપાય છે.